________________
૧૯૨
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧ જીવ સાંસારિક ભાવો કરીને સંસારમાં પરિભ્રમણ કરે છે અને જ્યારે જીવ ગુણને અભિમુખ થાય છે ત્યારે ગુણનિષ્પત્તિને અનુકૂળ જેટલો દૃઢ મનોવ્યાપાર કરે છે તે મનોવ્યાપારને અનુરૂપ ગુણના આવારક કર્મો ક્ષય પામતાં જાય છે. જેમ જેમ કર્મોનો ક્ષય થાય છે તેમ તેમ ગુણના પ્રાદુર્ભાવરૂપ ઉપર-ઉપરના ગુણસ્થાનક આવે છે. તેથી જીવના વ્યાપારને અનુરૂપ ગુણસ્થાનકની પ્રાપ્તિ ક્રમસર થાય છે પરંતુ ગુણસ્થાનકની પ્રાપ્તિ માત્ર ઇચ્છા કરવાથી કે બોલવા માત્રથી કે યથાતથા ક્રિયા કરવાથી થતી નથી. માટે મારે પણ સિદ્ધાવસ્થાની પ્રાપ્તિ કરવી હોય તો સિદ્ધ થવા અર્થે ગુણપ્રાપ્તિમાં તે રીતે દઢ વ્યાપાર કરવો જોઈએ જેથી ગુણસ્થાનકના ક્રમથી હું પણ સિદ્ધાવસ્થાને પામું; કેમ કે અત્યાર સુધી જે કોઈ સિદ્ધ થયા છે તે સર્વ સિદ્ધ ભગવંતો ગુણસ્થાનકના ક્રમની પરંપરાના ઉલ્લંઘન વગર થયા નથી. તેથી મારે પણ તે ક્રમથી જ ગુણસ્થાનકને સ્પર્શીને મોક્ષમાં જવાનું છે. માટે ક્ષણભર પણ પ્રમાદ વગર ગુણસંપન્ન મહાત્માઓનું અવલંબન લઈને ગુણવૃદ્ધિમાં યત્ન કરીશ તો તેની પ્રકૃષ્ટ ભૂમિકાને પામીને હું પણ સિદ્ધ થઈશ. વળી, આ સિદ્ધ ભગવંતો લોકના અગ્રભાગ પર રહેલા છે. તે પ્રકારે સ્મરણ થવાથી સંસારથી પર લોકના અગ્રભાગ પર રહેલા સિદ્ધ ભગવંતની સ્મૃતિ થાય છે. તેવા સિદ્ધ ભગવંતો અનંતા છે તે સર્વને નમસ્કાર કરવાના આશયથી સ્તુતિમાં બોલાય છે કે તે સર્વ સિદ્ધોને હું સદા નમસ્કાર કરું છું. તેથી મહાપરાક્રમ ફોરવીને ગુણસ્થાનકના ક્રમથી કર્મોનો નાશ કરીને સિદ્ધાવસ્થાને પામેલા સર્વ સિદ્ધ ભગવંતો પ્રત્યે બહુમાનનો પ્રકર્ષ થાય છે અને તે બહુમાનના પ્રકર્ષને અનુરૂપ પોતાનામાં પણ ગુણસ્થાનકની વૃદ્ધિ પ્રગટ થાય છે. જે પરંપરાએ સિદ્ધ તુલ્ય થવાનું જ કારણ છે.
આ રીતે સામાન્યથી સર્વ સિદ્ધ ભગવંતોને નમસ્કાર કર્યા પછી સિદ્ધાવસ્થાની પ્રાપ્તિનો ઉપાય બતાવનાર આસજ્ઞોપકારી એવા વીર ભગવાનની સ્તુતિ કરવાર્થે શ્રાવક બીજી સ્તુતિ બોલે છે. વીર ભગવાન દેવોના પણ દેવ છે. અર્થાત્ જગતવર્તી પુણ્યના પ્રકર્ષવાળા જે દેવો છે તેઓને પણ ઉપાસ્ય એવા દેવ છે. અને તેવા દેવોના પણ ભગવાન દેવ હોવાથી શક્રાદિ દેવો હાથ જોડીને ભગવાનને નમસ્કાર કરે છે; કેમ કે ઉત્તમપુરુષોની ભક્તિથી જ સર્વ કલ્યાણની પ્રાપ્તિ છે તેથી કલ્યાણના અર્થી બુદ્ધિના નિધાન એવા દેવો પણ ભગવાનને નમસ્કાર કરીને પોતાનો ભવ સફળ કરે છે. વળી, દેવોના દેવ એવા શક્રાદિથી ભગવાન પૂજાયેલા છે. તેથી વીર ભગવાનને સ્મૃતિમાં લાવીને શ્રાવક કહે છે કે હું પણ એવા મહાવીરસ્વામીને મસ્તકથી વંદન કરું છું. આ પ્રકારે વીર ભગવાનની સ્તુતિ કરીને વીર ભગવાન તલ્ય વીતરાગતાદિ ભાવો પોતાનામાં પ્રગટ થાય તે પ્રકારે શ્રાવક યત્ન કરે છે. જે વીતરાગતાદિ ભાવોને કારણે વીર ભગવાન જગતપૂજ્ય બન્યા તે કારણથી તેઓને નમસ્કાર કરીને યોગ્યજીવો તેમના તુલ્ય થવા યત્ન કરી શકે છે, તેથી શ્રાવક પણ વીર ભગવાનના ગુણોમાં ઉપયુક્ત થઈને વીતરાગ થવા ઉદ્યમ કરે છે.
વળી, ભગવાનની સ્તુતિ કરવાથી શું ફળ મળે છે ? તેનું સ્મરણ કરવાથે ત્રીજી સ્તુતિ બોલાય છે. જેથી તેવા ઉત્તમ ફલ અર્થે ભગવાનને નમસ્કાર કરવામાં દઢ વ્યાપાર ઉલ્લસિત થાય. જિનો ઋતજિન, અવધિજિન આદિ છે તે સર્વમાં શ્રેષ્ઠ જિન કેવલી છે અને તે કેવલીઓમાં પણ વૃષભ=ઉત્તમ જિન તીર્થકરો છે. તેવા વર્ધમાનસ્વામીને દૃઢ પ્રણિધાનપૂર્વક કરાયેલો એક પણ નમસ્કાર નર અને નારીને સંસારસાગરથી તારે