________________
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧
૯૩
ભક્તિ કરે છે. અને ભગવાનની સ્તુતિરૂપે વંદનની ક્રિયા કરે છે અને તે સ્તુતિ જઘન્યથી નમસ્કાર માત્ર રૂપ કરે છે અને ઉત્કર્ષથી ઇરિયાવહિયાના પ્રતિક્રમણપૂર્વક શસ્તવ દંડકથી કરે છે. આનાથી એ પ્રાપ્ત થાય કે મોક્ષના અર્થી શ્રાવકને ભગવાનની ભક્તિમાં સંતોષ હોતો નથી. તેથી પોતાના ગૃહચૈત્યમાં ભક્તિ કર્યા પછી જે જે ચૈત્ય હોય ત્યાં જિનપ્રતિમાને જોઈને વીતરાગના ગુણોનું સ્મરણ કરીને શક્તિ અનુસાર ઉચિત ભક્તિ કરે છે અને તે ભક્તિ અર્થે જિનગૃહમાં કેવી રીતે જાય તે વિષયક વૈભવસંપન્ન શ્રાવકની વિધિ બતાવે છે – વૈભવસંપન્ન શ્રાવક ઋદ્ધિપૂર્વક ચૈત્યાલયમાં એવી રીતે જાય કે જેથી અનેક જીવોને ધર્મની પ્રાપ્તિનું કારણ બને છે. અને ભગવાનની ભક્તિ અર્થે ઋદ્ધિપૂર્વક જતાં, શ્રાવકનો વીતરાગના ગુણો પ્રત્યેનો બહુમાનભાવ અતિશયિત થાય છે. જેથી શ્રાવકને મહાનિર્જરાની પ્રાપ્તિ થાય છે.
વળી ઋદ્ધિસંપન્ન શ્રાવક ભગવાન પ્રત્યેની ભક્તિની વૃદ્ધિ થાય તદર્થે ઉત્તમ સામગ્રીથી કઈ રીતે જિનાલયમાં પ્રવેશે અને કઈ રીતે અનેક પ્રકારની ભક્તિ કરે તે વિષયમાં કોઈ એક નિયત માર્ગ નથી. પરંતુ જે પ્રકારે ભાવોની વૃદ્ધિ થાય તે પ્રકારે જુદા જુદા શાસ્ત્રમાં જુદી જુદી વિધિ બતાવી છે. તે સર્વને સ્મૃતિમાં રાખીને વિવેકસંપન્ન શ્રાવક પોતાના સંવેગાનુસાર જે પ્રકારે પોતે વિશેષ ભક્તિ કરી શકે અને જે પ્રકારે પોતાના ભાવોનો પ્રકર્ષ થાય તે રીતે ઉચિત ભક્તિ કરે અને તેમાં પણ સર્વ અન્ય પ્રતિમાઓ કરતાં વિશેષથી મૂળનાયક પ્રતિમાની ભક્તિ કરે; કેમ કે જોનારની પ્રથમ દૃષ્ટિ મૂળનાયક ઉપર જ જાય છે. જેથી ભગવાનની કરાયેલી શ્રેષ્ઠ ભક્તિ જોઈને ઘણા જીવોને ભગવાન પ્રત્યેનો પૂજ્યભાવ અતિશયિત થાય છે અને પૂજા કરનાર શ્રાવકને પણ પોતાનાથી કરાયેલી મૂળનાયકની વિશેષ ભક્તિથી હર્ષ થાય છે તેથી મહાનિર્જરાની પ્રાપ્તિ થાય છે. આ રીતે ભક્તિથી ઉત્પન્ન થયેલી વીતરાગ પ્રત્યેની પ્રીતિ વીતરાગ થવામાં બાધક કર્મનો નાશ કરીને સંસારના અંતનું કારણ બને છે. માટે શ્રાવકે સતત વીતરાગના ગુણોના સ્મરણપૂર્વક શક્તિ અનુસાર ભગવાનની શ્રેષ્ઠ ભક્તિ કરવી જોઈએ. જે શ્રાવકજીવનનું શ્રેષ્ઠ ફળ છે. . વળી, શ્રાવકે શક્તિ હોય તો પ્રતિદિન અને સંયોગ ન હોય તો પર્વ દિવસે ભગવાનનો સ્નાત્ર મહોત્સવ કરવો જોઈએ. જે સ્નાત્ર મહોત્સવમાં, ઇન્દ્રોએ જે ભગવાનનો જન્મોત્સવ મેરુપર્વત પર કર્યો છે તેનું અનુસરણ છે. અને કુસુમની અંજલિઓ ભગવાનના ચરણે મૂકતી વખતે જે પાઠો પ્રસ્તુત ગ્રંથમાં કહ્યા છે તેના પરમાર્થને જાણીને તે ભાવોમાં અત્યંત ઉપયુક્ત થઈને કરાયેલ સ્નાત્ર મહોત્સવ મહા કલ્યાણની પરંપરાનું કારણ બને છે. તેથી તે પ્રકારના શ્રેષ્ઠભાવપૂર્વક એક વખત પણ કરાયેલું સ્નાત્ર સંસારના પરિભ્રમણના અંતનું પ્રબળ કારણ બને છે. જે શ્રાવક સંસારના ઉચ્છેદના અર્થી છે તેને સંસારના ઉચ્છેદના ઉપાયના સેવનમાં ક્યારેય સંતોષ હોતો નથી. તેથી પોતાના ઘુતિબળનો વિચાર કરીને શ્રાવકે પોતાના ભાવોની વૃદ્ધિ જે રીતે થાય તેને સ્મૃતિમાં રાખીને શક્તિ અનુસાર અત્યંત પ્રણિધાનપૂર્વક ભગવાનની સ્નાત્રપૂજા કરવી જોઈએ.
વળી, ઋદ્ધિસંપન્ન શ્રાવક પોતાની ઋદ્ધિ અનુસાર ચૈત્યગમન, પૂજા, સ્નાત્રાદિ કરે અને જે શ્રાવકો પાસે એવી કોઈ વિશિષ્ટ ઋદ્ધિ નથી તેઓ પણ પોતાની સામાન્ય ઋદ્ધિ અનુસાર ભગવાનની ભક્તિ કરે. જેની પાસે ભગવાનની ભક્તિ કરવા માટે અનુકૂળ કોઈ સામગ્રી નથી તેવા શ્રાવકે સામાયિક ગ્રહણ કરીને