________________
૧૭૦
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | બ્લોક-૧૧
ઉપસ્થિતિ થવાથી ભગવાનની જિન અવસ્થા પ્રત્યે દૃઢરાગ થાય છે. આવા ચોવીશે તીર્થકરોનું હું નામથી કીર્તન કરીશ. એ પ્રકારે પ્રતિજ્ઞા કરીને ત્યારપછી તે ચોવીશ તીર્થકરોને તેમનાં નામથી ત્રણ ગાથા દ્વારા ઉપસ્થિત કરીને શ્રાવક વંદન કરે છે. જેથી તેઓનાં નામ દ્વારા ભાવતીર્થકર પ્રત્યે પૂજ્યબુદ્ધિ વૃદ્ધિ પામે છે. વળી તે તીર્થકરોનાં નામો વ્યુત્પત્તિને આશ્રયીને કેવા ગુણવાળાં છે તે ગ્રંથકારશ્રીએ બતાવેલ છે. તેથી તે તે નામ દ્વારા વાચ્ય એવા સ્વરૂપની ઉપસ્થિતિ થાય છે. જેમ “ઘટ લાવ' કહેવાથી “ઘટ’ શબ્દ દ્વારા વિવેક પુરુષને અન્ય સર્વ પદાર્થો કરતા “ઘટ’, ઘટ સ્વરૂપે જણાય છે. તેથી ઘટને લાવે છે. અન્ય વસ્તુ લાવતો નથી. તેમ ઋષભાદિ શબ્દોની વ્યુત્પત્તિ ક્યા સ્વરૂપવાળી છે તેનું સમ્યક આલોચન કરીને તેના વાચ્યભાવથી જે શ્રાવકે તે તે તીર્થકરોનું સ્વરૂપ સ્થિર કર્યું છે તે સ્વરૂપે તીર્થકરોની ઉપસ્થિતિ થાય છે. તેથી તેવા ઉત્તમગુણવાળા પુરુષ પ્રત્યે બહુમાનની વૃદ્ધિ થાય છે.
લોગસ્સ ઉજ્જો અગરે પ્રથમ ગાથાથી જે ભાવતીર્થકરોનું સ્વરૂપ બતાવ્યું તે તીર્થકરોનું જ ઋષભાદિ નામ છે અને ઋષભ શબ્દ તીર્થકરના ક્યા ભાવને બતાવે છે. તેની ઉપસ્થિતિ થવાથી ઉપયોગપૂર્વક બોલતા શ્રાવકને તે ભાવ પ્રત્યે ભક્તિનો અતિશય થાય છે. અને જેટલા અંશે જે ગુણની ઉપસ્થિતિ થાય છે તે ગુણવાળા પ્રત્યે તેટલા બહુમાનજન્ય રાગનો અતિશય થાય છે. જે પ્રમાણે શ્રાવકને ભાવ થાય છે તે પ્રમાણે શ્રાવકને નિર્જરાનો અતિશય થાય છે. આથી જ ભગવાનના સ્થાપના નિક્ષેપાની ભક્તિથી જેમ નાગકેતને કેવલજ્ઞાન થયું તેમ યોગ્ય જીવોને ભગવાનના નામકીર્તન દ્વારા પણ ભાવનો પ્રકર્ષ થાય તો કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે અને શ્રાવક પણ સ્વબોધાનુસાર ભગવાનના સ્વરૂપનું પ્રતિસંધાન કરીને તે તે નામ બોલે છે ત્યારે તે તે તીર્થકરો પ્રત્યે ભક્તિનો અતિશય થાય છે. તેથી શ્રાવકના ઉપયોગ અનુસાર ગુણસ્થાનકની વૃદ્ધિ થાય છે. આ રીતે ચોવીશે તીર્થકરોનું નામસ્મરણ ત્રણ ગાથાથી કરીને શ્રાવક ભાવના અતિશય અર્થે પ્રણિધાન કરે છે કે આ રીતે મારા વડે ચોવીશે તીર્થકરો સ્તુતિ કરાયેલા છે. જેઓ રજમલ વગરના છે. જરા-મરણનો નાશ કર્યો છે તેવા છે અને તે ચોવીશે તીર્થકરો મારા ઉપર પ્રસાદ કરો. આ પ્રકારે ભક્તિથી બોલીને તીર્થકરોના ભાવોથી આત્માને અત્યંત વાસિત કરવાર્થે શ્રાવક યત્ન કરે છે; કેમ કે પ્રસ્તુત ગાથાથી શ્રાવકને ઉપસ્થિત થાય છે કે પોતાના વડે સ્મરણ કરાયેલા ચોવીશે તીર્થકરો કર્મરૂપી રજ અને મલથી રહિત થયા છે. તેથી કૃતકૃત્ય છે અને કર્મમલ વગરના હોવાથી જરા અને મરણ જે સંસારી જીવોને અવિનાભાવી છે તેનો ભગવાને નાશ કર્યો છે. માટે કર્મરજથી રહિત અને જરા-મરણના ઉપદ્રવથી રહિત એવા તીર્થકરોની ભક્તિ કરીને હું પણ તેમની જેમ કર્મરજમલથી સંસારમાં પ્રાપ્ત થતા સર્વ ઉપદ્રવોથી મુક્ત થાઉં. અને તેવા અભિલાષપૂર્વક ભગવાનની પ્રાર્થના કરવાથી ભગવાન પ્રત્યેના ભક્તિના બળથી જ શ્રાવક પણ રજમલને નાશ કરવાને અનુકૂળ મહાબળ સંચય કરે છે. તે બળ સંચય કરવાથે જ શ્રાવક કહે છે કે ચોવીશે જિનેશ્વરો-તીર્થકરો મારા ઉપર પ્રસાદ કરો. આમ કહીને પોતાને તીર્થકરનું વચન સમ્યફ પરિણમન પામે તો પોતાને ભગવાનનો પ્રસાદ પ્રાપ્ત થાય તેવો અધ્યવસાય શ્રાવક કરે છે.
વળી, ભક્તિની વૃદ્ધિ અર્થે શ્રાવક કહે છે કે કીર્તિત, વંદિત, પૂજિત એવા જે લોકમાં ઉત્તમસિદ્ધો છે, તેઓ મને ભાવઆરોગ્યની પ્રાપ્તિ માટે બોધિલાભ આપો અને ઉત્તમકોટિની સમાધિ આપો. જેથી બોધિલાભ