________________
૧૪૦
ધર્મસંગ્રહ ભાગ-૪ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૧ આવે તે ‘ભાવસંકોચ’ છે. ચૈત્યવંદનની ક્રિયામાં ભાવસંકોચ ક૨વાર્થે પ્રયત્ન છે; કેમ કે પૂજ્ય એવા ભગવાનની પૂજા કરીને પૂજક એવો શ્રાવક ભાવથી વીતરાગતુલ્ય થવા માટે જે અંતરંગ વ્યાપાર કરે તે પૂજા કહેવાય અને જિનતુલ્ય થવા માટે પ્રકર્ષથી યત્ન કરવો અતિદુષ્કર છે. તેથી ‘અસ્તુ’ શબ્દથી પ્રાર્થના કરાય છે કે નમસ્કારની ક્રિયા મારાથી થાઓ; કેમ કે દુષ્કર કાર્ય કરવાના અભિલાષથી પણ આશયની વિશુદ્ધિ થવાથી દુષ્કર કાર્ય ક૨વાને અનુકૂળ બળસંચય થાય છે. વસ્તુતઃ નમઃ શબ્દ નમનના અર્થમાં છે. જેનું ચિત્ત જિનના ગુણો તરફ નમેલું હોય તે મહાત્મા ચિત્તના દૃઢ પ્રવર્તનપૂર્વક જિનતુલ્ય થવાના વ્યાપારવાળા છે. અને જિનના ભાવો ત૨ફ અસ્ખલિત ઉપયોગપૂર્વક ચિત્તને પ્રવર્તાવવું અતિદુષ્કર કાર્ય છે. માટે તેવા ભાવોની પ્રાપ્તિની ઇચ્છા ‘સ્તુ’ શબ્દથી કરાય છે.
કોને નમસ્કાર કરવાની પ્રાર્થના કરાય છે ? તેથી કહે છે. અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ. અરિહંત શબ્દથી પૂજા માટે જે યોગ્ય છે તે અરિહંત છે. કેમ ભગવાન પૂજા માટે યોગ્ય છે ? તેથી કહે છે. ભગવાને ભાવશત્રુનો નાશ કર્યો છે. તેથી પૂજાને માટે યોગ્ય છે. અથવા ભગવાને આત્મા પર લાગેલ કર્મરૂપી રજને દૂર કરી છે. તેથી પૂજા માટે યોગ્ય છે. અથવા ભગવાનને કોઈ રહસ્ય નથી. તેથી પૂજા માટે યોગ્ય છે. અર્થાત્ પૂર્ણ જ્ઞાન હોવાથી તેઓના માટે જગતના કોઈ ભાવો ગુપ્ત નથી. તેથી રહસ્ય વગરના છે. તેથી પૂજા માટે યોગ્ય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે જીવને માટે રાગ-દ્વેષરૂપ અંતરંગશત્રુ મહાત્રાસરૂપ છે અને ભગવાને અંતરંગશત્રુઓનો નાશ કર્યો છે. તેથી પૂજા કરનાર શ્રાવક અરિહંતની પૂજા કરીને પૂજ્ય એવા અરિહંત થવા માટે યત્ન કરી શકે તેમાં આલંબનરૂપ ભગવાન છે. તેથી ભગવાન પૂજાને માટે યોગ્ય છે. વળી આત્મા ઉપર કર્મરૂપી ૨જ લાગેલ છે જે આત્માને મલિન કરનાર છે અને તેને ભગવાને દૂર કરી છે. માટે ભગવાન પૂજાને યોગ્ય છે. તેથી ભગવાનની પૂજા કરીને પૂજક એવો શ્રાવક ભગવાનના અવલંબનથી કર્મ૨જને દૂ૨ ક૨વા સમર્થ બને છે. વળી, ભગવાન પૂર્ણજ્ઞાનવાળા છે. અને શ્રાવકમાં અજ્ઞાનતા વર્તે છે. તે અજ્ઞાનતાને કારણે શ્રાવક સંસારની સર્વ કદર્થના પ્રાપ્ત કરે છે. તેથી પૂર્ણજ્ઞાનવાળા એવા ભગવાનની ભક્તિ કરીને તેમની જેમ પૂર્ણજ્ઞાનવાળા થવા અર્થે શ્રાવક ભગવાનની પૂજા કરે છે. તેથી ભગવાન પૂજાને યોગ્ય છે. આ રીતે અરિહંતના ત્રણે અર્થો ઉપસ્થિત કરીને અરિહંતને નમસ્કાર ક૨વાની પ્રાર્થના કરવાથી શ્રાવકનું ચિત્ત પણ ભગવાનની જેમ ભાવશત્રુનો નાશ ક૨વાને અર્થે બલસંચયવાળું થાય છે. કર્મરજને અનુકૂળ બલસંચયવાળું થાય છે. અને પૂર્ણજ્ઞાનની પ્રાપ્તિને અનુકૂળ યત્નવાળું થાય છે.
વળી, આ અરિહંત નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવના ભેદથી ચાર પ્રકારના છે અને ભાવતીર્થંકરને ગ્રહણ ક૨વાર્થે ‘ભગવંતાણં’ કહેલ છે. ‘ભગવંતાણં’ શબ્દમાં ‘મળ’ શબ્દ સમગ્ર ઐશ્વર્યાદિનો વાચક છે. અર્થાત્ ૧. ઐશ્વર્ય, ૨. રૂપ, ૩. યશ, ૪. લક્ષ્મી, ૫. ધર્મ અને ૬. પ્રયત્નનો વાચક છે. અને ભગવાનનું સમગ્ર ઐશ્વર્ય શું છે ? તે બતાવતાં કહે છે. ભગવાનના ગુણોથી આવર્જિત થઈને ભક્તિથી ઇન્દ્રો શુભાનુબંધી મહાપ્રાતિહાર્ય કરે છે તે ભગવાનનું ઐશ્વર્ય છે. તેથી એ પ્રાપ્ત થાય કે મહાબુદ્ધિના નિધાન એવા દેવોના સ્વામી પણ ભગવાન પ્રત્યેની ભક્તિથી પ્રાતિહાર્ય કરે છે. માટે સંસારઅવસ્થામાં ભગવાનનું મહા ઐશ્વર્ય એવું છે કે જેને જોવાથી જોનારને ભગવાન પ્રત્યે ભક્તિ થાય છે. વળી, ભગવાનનું સર્વશ્રેષ્ઠરૂપ છે જે રૂપ આગળ