________________
૩૨
ધર્મસંગ્રહ ભાગ-૪ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧ ગુણોથી ચિત્ત વાસિત રહે. આ પ્રકારે સંક્ષેપથી શ્લોકનો અર્થ કર્યા પછી ટીકાકાર ‘સભ્ય નાત્વા' એ અંશને ગ્રહણ કરીને શ્રાવકે કઈ રીતે સ્નાન કરવું જોઈએ ? તેનો વિસ્તારથી અર્થ કરે છે –
શ્રાવકને ભગવાનની ભક્તિ અર્થે સ્નાન કરવાની વિધિ છે. તેથી શ્રાવક જે સ્થાનમાં સ્નાન કરે તે સ્થાનમાં કોઈ ત્રસજીવોની હિંસા ન થાય તેની ઉચિત જયણા કરે. તેથી વર્તમાનમાં પણ શ્રાવકો ગૃહ આદિમાં સ્નાન કરતા હોય ત્યારે કોઈ ત્રસજીવની હિંસા ન થાય તેની ઉચિત યતના કરવી જોઈએ. વળી શ્રાવક, વસ્ત્રથી ગાળેલું અને દેહની શુદ્ધિ માટે આવશ્યક હોય તેટલા પરિમિત જલથી સ્નાન કરવું જોઈએ. તેથી જે શ્રાવક પોતાના સંયોગાનુસાર જીવરક્ષા માટે ઉચિત યતના કરે છે તેનું દયાળુ ચિત્ત વર્તે છે. વળી, હું દેહની શુદ્ધિ કરીને ભગવાનની ભક્તિ કરું એવા પ્રકારનો શુભ અધ્યવસાય સ્નાનકાળમાં વર્તે છે. તેથી સ્નાનની ક્રિયા પણ ભગવાનની પૂજાનું અંગ બને છે.
વળી, સ્નાન બે પ્રકારનું છે. (૧) દ્રવ્યસ્નાન અને (૨) ભાવસ્નાન. દ્રવ્યસ્નાન જલ દ્વારા શરીરની શુદ્ધિરૂપ છે અને તે પણ દેશથી અને સર્વથી એમ બે ભેદવાળું છે. તેમાં દ્રવ્યસ્નાન દેશથી મળશુદ્ધિ, મુખશુદ્ધિ વગેરે સ્વરૂપ છે. અને દ્રવ્યસ્નાન સર્વથી સંપૂર્ણ શરીરની શુદ્ધિ છે. તેથી શ્રાવકે ભગવાનની ભક્તિ અર્થે જતાં પૂર્વે મળશુદ્ધિ, મુખશુદ્ધિ અને સ્નાનથી શરીરની સંપૂર્ણ શુદ્ધિ કર્યા પછી ભગવાનની પૂજા કરવી જોઈએ. ફક્ત જેઓને પચ્ચખ્ખાણ હોય તેઓને મુખશુદ્ધિ વગર પણ ભગવાનની પૂજાનો અધિકાર છે; કેમ કે તપના અધ્યવસાયથી જ ચિત્તની શુદ્ધિ રહે છે અને જેઓને તપ નથી તેઓને તો મુખશુદ્ધિપૂર્વક જ દેહશુદ્ધિ કરવાથી મારું શરીર પવિત્ર છે. સ્કૂર્તિવાળું છે, ઇત્યાદિ પરિણામથી જ ભાવશુદ્ધિનો હેતુ બને છે. તેથી જેઓ મુખશુદ્ધિ કર્યા વગર કે યથા-તથા સ્નાન કરીને પૂજા કરે છે તેઓને તે પ્રકારની ભાવશુદ્ધિ થતી નથી. માટે ભગવાનની ભક્તિના અર્થે શક્ય એટલી દેહની શુદ્ધિ થાય તે માટે ઉચિત યતના કર્યા પછી જ પૂજા માટે યત્ન કરવો જોઈએ.
વળી, સ્નાનની ક્રિયાથી યતનાપરાયણ શ્રાવક દ્વારા પણ અપૂકાયના જીવોની વિરાધના થાય છે ત્યારે ત્રસાદિ જીવોની પણ વિરાધના થવાનો સંભવ છે. તોપણ ભગવાનની ભક્તિના અધ્યવસાયપૂર્વક અને શાસ્ત્રવિધિના સ્મરણપૂર્વક નિરર્થક જીવહિંસાના પરિવાર માટે યતનાપરાયણ શ્રાવકે કૂપખનનના ઉદાહરણથી દ્રવ્યસ્નાન કરવું ઉચિત છે. અને તે દ્રવ્યસ્નાન દ્રવ્યસ્તવનું અંગ હોવાથી ભગવાનની પૂજા સ્વરૂપ છે. તેથી દ્રવ્યસ્નાન કરતી વખતે ક્યારેક પ્રમાદને વશ કોઈક હિંસા થયેલી હોય તોપણ ભગવાનની ભક્તિ કરવાના નિર્મળ અધ્યવસાયથી તેની શુદ્ધિ થાય છે. જેમ કૂવાને ખોદવામાં શ્રમ-તૃષા-કાદવ વગેરે લાગે છે તોપણ જલની પ્રાપ્તિ થયા પછી તે જલ દ્વારા શ્રમાદિ દોષો દૂર થાય છે અને પોતાને અને બીજાને સદા જલની પ્રાપ્તિ થવાથી સ્વ-પરનો ઉપકાર થાય છે તે રીતે સ્નાનાદિની ક્રિયામાં કોઈક આરંભદોષ થયો હોય તે ભગવાનની ભક્તિના શુભ અધ્યવસાયથી દૂર થવાને કારણે વિશિષ્ટ પુણ્યબંધ અને નિર્જરાની પ્રાપ્તિ થાય છે.
વળી, કેટલાક કહે છે કે પૂજા માટે સ્નાનાદિકાળમાં હું ભગવાનની ભક્તિ કરું અને શાસ્ત્રવિધિ અનુસાર સ્નાન કરે તેવો નિર્મળ અધ્યવસાય વર્તે છે. તેથી લેશ પણ પાપબંધ શ્રાવકને થતો નથી. માટે “કૂપખનન'નું