________________
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૦
૨૧
પ્રતિક્રમણ અવશ્ય કરવું જોઈએ અને જે શ્રાવકોને તેવો શક્તિસંચય થયો નથી અથવા કોઈ કારણે તેઓ રાઈ પ્રતિક્રમણ કરતા નથી તેઓને પણ રાત્રિ દરમિયાન પ્રાપ્ત થયેલા કુસ્વપ્નની શુદ્ધિ અર્થે અવશ્ય કાઉસ્સગ્ન કરવો જોઈએ; કેમ કે રાત્રિ દરમિયાન ઊંઘમાં પણ જે આરંભ-સમારંભની પ્રવૃત્તિ થઈ છે કે જે વિકારો થયા છે તેનાથી બંધાયેલાં કર્મોના નાશનો ઉપાય કુસુમિણ-દુસુમિણનો કાઉસ્સગ્ગ છે. માટે તે કાઉસ્સગ્ન કરી તેની શુદ્ધિ કરવી જોઈએ. જેથી રાત્રિ દરમિયાન શ્રાવકાચારને મલિન કરે તેવા કોઈ ભાવો થયા હોય તેની શુદ્ધિ થાય. વળી, જેઓ રાઈ પ્રતિક્રમણ કરે છે તેઓએ પ્રતિક્રમણનો પ્રારંભ કર્યા પૂર્વે જ ચૌદ નિયમને ધારવા જોઈએ; કેમ કે સામાયિક દરમિયાન તે નિયમો ધારણ કરવા ઉચિત નથી. અને તે ૧૪ નિયમને ધારવાની પ્રવૃત્તિ સૂર્યોદય પહેલાં કરવી આવશ્યક છે માટે પ્રતિક્રમણ કરનાર પ્રથમ ચૌદ નિયમ ધારીને પછી રાઈ પ્રતિક્રમણ કરવું જોઈએ. વળી, જેઓ રાઈ પ્રતિક્રમણ કરતા નથી તેઓએ પણ ચૌદ નિયમ સૂર્યોદય પૂર્વે ગ્રહણ કરવા જોઈએ અને પોતાની શક્તિ અનુસાર નવકારશી આદિનું પચ્ચખાણ પણ સૂર્યોદય પહેલાં ગ્રહણ કરવું જોઈએ અને ૧૪ નિયમ ધારેલા હોય તો દેશાવગાસિક પચ્ચખ્ખાણ પણ કરવું જોઈએ.
વળી, સવારના પચ્ચખ્ખાણના વિષયમાં જુદાં જુદાં વચનો છે. જે સર્વને ગ્રંથકારશ્રીએ બતાવેલાં છે. તેનાથી એ ફલિત થાય છે કે શ્રાવકે દિવસ માટે જે પચ્ચખ્ખાણ કરવું છે તે પચ્ચખ્ખાણનું ગ્રહણ સૂર્યોદય પૂર્વે જ કરવું જોઈએ. અને સૂર્યોદય પહેલાં નવકારશીનું પચ્ચખાણ કરેલું હોય અને પાછળથી પોરિસી કરવાની ઇચ્છા થાય તો નવકારશીના પચ્ચખાણના સમયની પ્રાપ્તિ પૂર્વે પોરિસીનું પચ્ચખાણ લેવું જોઈએ અને સવારના સૂર્યોદય પહેલાં પોરિસીનું પચ્ચખાણ કરેલું હોય અને સાઢપોરિસીનું પચ્ચખાણ કરવું હોય તો પોરિસીના પચ્ચખાણની પ્રાપ્તિ પૂર્વે સાઢપોરિસીનું પચ્ચખ્ખાણ કરવું જોઈએ અને તે રીતે કરેલું પચ્ચખ્ખાણ શુદ્ધ થાય. વળી, સૂર્યોદય પૂર્વે સ્વયં નવકારશી, પોરિસી કે અન્ય જે. કોઈ પચ્ચખાણ ગ્રહણ કરેલ હોય તે જિનાલયમાં જાય ત્યારે તીર્થંકરની સાક્ષીએ ગ્રહણ કરે અને ગુરુ પાસે જાય ત્યારે ગુરુસાક્ષીએ ગ્રહણ કરે. આમ છતાં જિનાલય કે ગુરુ પાસેથી જે પચ્ચખાણ ગ્રહણ કરવાનું હોય તે પચ્ચષ્માણનો સમય થયો ન હોય તેના પૂર્વે જ ગ્રહણ કરવું જોઈએ. જેમ પોરિસીનું પચ્ચખ્ખાણ ગુરુ પાસેથી ગ્રહણ કરવું હોય તો પોરિસીના પચ્ચખ્ખાણનો સમય આવ્યો હોય તેની પૂર્વે જ ગ્રહણ કરવું જોઈએ. પરંતુ પોરિસીનો સમય અતિક્રાંત થયેલો હોય અને ત્યાર પછી પચ્ચખ્ખાણ લેવામાં આવે તો તે પચ્ચખાણ શુદ્ધ થાય નહિ. આ રીતે પચ્ચખ્ખાણના ગ્રહણ વિષયક સામાન્યથી શાસ્ત્રમર્યાદા છે. અને પચ્ચખ્ખાણ કરવા દ્વારા શ્રાવકે સંવરભાવની વૃદ્ધિ થાય તે રીતે આત્માને ભાવિત કરવો જોઈએ. આહારસંજ્ઞા તિરોધાન થાય તે પ્રકારે યત્ન કરવો જોઈએ અને સદા વિચારવું જોઈએ કે અવિરતિમાંથી ચિત્તને નિવર્તન કરીને વિરતિમાં જવા માટે પચ્ચખાણ છે. માટે સ્વશક્તિ અનુસાર પચ્ચખાણ કરીને સંપૂર્ણ પાપની વિરતિની શક્તિનો સંચય થાય તે રીતે યત્ન કરવો જોઈએ. આ પ્રકારે આત્માને ભાવિત કરીને વિરતિ પ્રત્યેનો રાગ દઢ થાય તે પ્રકારે પચ્ચખાણ ગ્રહણ કરવું જોઈએ અને ગ્રહણ કરાયેલા પચ્ચખ્ખાણનું નિષ્ઠાથી પાલન કરવું જોઈએ.