________________
પંચ પરમાગમનો સંક્ષિપ્ત પરિચય
પ્રકરણ ૪
૧. સમયસાર ઃ
શ્રી સમયસાર અલૌકિક શાસ્ત્ર છે. આચાર્ય ભગવાને આ જગતના જીવો પર પરમ કરુણા કરીને શાસ્ત્ર રચ્યું છે. તેમાં મોક્ષમાર્ગનું યથાર્થ સ્વરૂપ જેમ છે તેમ કહેવામાં આવ્યું છે. અનંતકાળથી પરિભ્રમણ કરતાં જીવોને જે કાંઇ સમજવું બાકી રહી ગયું છે તે આ પરમાગમમાં સમજાવ્યું છે.
સૌથી પ્રથમ આત્માનું પોતાથી એકત્વ - પરદ્રવ્ય અને પરભાવોથી ભિન્નતા સમજાવે છે.
પછી કહે છે જેને શુદ્ધ આત્માનો અનુભવ વર્તે છે તે જ સમ્યગ્દષ્ટિ છે.
મૂળ વાત એ છે, ‘હું તો એક જ્ઞાયકભાવ છું’ પર્યાયષ્ટિએ અશુદ્ધતા વર્તતા છતાં દ્રવ્યદૃષ્ટિએ શુદ્ધતાના અનુભવ થઈ શકે છે. એ અનુભવ ચોથે ગુણસ્થાને થાય છે.
પછી આવું સમ્યગ્દર્શન કઇ રીતે પ્રાપ્ત કરી શકાય અર્થાત્ રાગ અને શુદ્ધાત્માની ભિન્નતા કઇ રીતે અનુભવાંશે સમજાય ? પ્રજ્ઞાછીણીથી છેદતાં તે બન્ને જુદા પડી જાય છે. અર્થાત્ જ્ઞાનથી જ - વસ્તુના યથાર્થ સ્વરૂપની ઓળખાણથી જ.
આ સિવાય સુખી થવાનો બીજો કોઇ ઉપાય નથી. યથાર્થ સ્વરૂપની ઓળખાણ કરાવવી તે આ શાસ્ત્રનો મુખ્ય ઉદ્દેશ છે.
આ શાસ્ત્રમાં જે જે વિષયોની પ્રરૂપણા થઈ છે એ બધાનો હેતુ ભવ્ય જીવોને યથાર્થ મોક્ષમાર્ગ બતાવવાનો છે. આનો મહિમા બતાડતાં શ્રી જયસેન આચાર્ય કહે છે, ‘જયવંત વર્તો તે પદ્મનંદી આચાર્ય કે જેમણે મહાતત્ત્વથી ભરેલો પ્રાભૃતરૂપી પર્વત બુદ્ધિરૂપી શિર પર ઉપાડીને ભવ્ય જીવોને સમર્પિત કર્યો છે.’ આનો વિસ્તૃત પરિચય આગળ જોઇશું.
૨. પ્રવચનસાર :
જેમ સમયસારમાં મુખ્યત્વે દર્શનપ્રધાન નિરૂપણ છે, તેમ પ્રવચનસારમાં મુખ્યત્વે જ્ઞાનપ્રધાન નિરૂપણ છે. આખા પરમાગમમાં વીતરાગ ચારિત્રની ઝંખનાનો મુખ્ય ધ્વનિ ગુંજી રહ્યો છે.
એવા આ પરમ પવિત્ર શાસ્ત્રને વિષે ત્રણ શ્રુતસ્કંધ છે.
(૧) જ્ઞાનતત્ત્વ પ્રજ્ઞાપન (૨) જ્ઞેયતત્ત્વ પ્રજ્ઞાપન
(૩) ચરણાનુયોગસૂચક ચૂલિકા.
પ્રથમ જ્ઞાનતત્ત્વ પ્રજ્ઞાપનમાં જીવનો જ્ઞાનાનંદ સ્વભાવ વિસ્તારથી સમજાવ્યો છે. કેવળીનું અતીન્દ્રિય સુખ તે જ સુખ છે, ઇન્દ્રિયજનિત સુખ તો દુઃખ જ છે, સિદ્ધ ભગવાન સ્વયમેવ જ્ઞાન, સુખનો દેવ છે. અને છેલ્લે મોહ-રાગ-દ્વેષને નિર્મૂળ કરવાનો જિનોક્ત યથાર્થ ઉપાય સંક્ષેપમાં દર્શાવ્યો છે.