________________
પ્રભુના ચરણયુગલને વંદન કરવાનું રહસ્ય
પ્રથમ શ્લોકના અંતિમ ચરણમાં એમ કહેવાયું છે કે મન, વચન અને કાયાના યોગથી જિનેશ્વર ભગવંતના ચરણયુગલને જે નમસ્કાર કરે છે તે પરમાત્માને પામ્યા છે. ચરણ યુગલનો અહીં અર્થ એમ પણ ઘટાવી શકાય કે માર્ગ ઉપર ચાલનાર ચરણ એક જ દિશામાં એક પછી એક લયબદ્ધ રીતે ચાલે તો માર્ગ કપાય છે. તેમ જ્ઞાન અને ભક્તિરૂપી બન્ને ચરણના સંયોગે જિનેશ્વર પ્રભુના દર્શન કરી શકાય છે. બીજી રીતે એમ પણ ઘટાવી શકાય કે જે માર્ગ ઉપર ચાલીને પરમાત્મદશાને પ્રથમ જિનેશ્વર ભગવંત શ્રી ઋષભદેવે પ્રાપ્ત કરેલ તે ચરણયુગલ અર્થાત્ તેમણે પોતે જે રીતે દર્શન, જ્ઞાન, ચારિત્ર્ય દ્વારા જે માર્ગ ઉપર ગમન કરી પરમાત્મપદને પ્રાપ્ત કર્યું તે ચરણયુગલને અનુસરનાર પોતે પણ પરમાત્મદશાને પામી શકે છે. અહીં ગર્ભિત રીતે એમ પણ ઘટાવી શકાય કે જે મનુષ્ય પોતાનો એક પગ સંસાર તરફ પશ્ચિમમાં અને બીજો પગ પૂર્વ તરફ આત્મામાં રાખવાનો પ્રયાસ કરી બંને પગ દ્વારા પરસ્પર વિરુદ્ધ દિશામાં ચાલવા મથે તો પણ ચાલી શકતો નથી. તેથી આચાર્ય ભગવંત પ્રથમ શ્લોકના ચોથા ચરણમાં ભગવાનના ચરણયુગલને વંદન કરવાનું એ રીતે જણાવે છે કે પ્રભુ પોતે જે માર્ગે ચાલીને પરમાત્મપદને પામ્યા તેમના તે ચરણયુગલને અર્થાત્ દર્શન, જ્ઞાન, ચારિત્ર્યને સંપૂર્ણપણે લક્ષમાં લઈ મન, વચન અને કાયાના યોગથી જે વંદે છે, તેને જે સમર્પિત થાય છે અથવા તેને જે ગ્રહણ કરે છે તે પરમાત્મદશાને પ્રાપ્ત કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
(૨૭).