________________
રહસ્યને આત્મસાત્ કરવામાં આવે તો આ મહાપ્રભાવક સ્ત્રોતનો કોઈપણ શ્લોક જીવને શિવ બનાવી શકે તેમ છે. આત્માને પરમાત્મા બનાવી શકે તેમ છે અને જન્મ મરણને ટાળી ભવભ્રમણને અટકાવી શકે તેમ છે. આપણે આગળના શ્લોકોમાં એ જોયું છે કે સમવસરણમાં પ્રભુ દેશના આપે છે ત્યારે ચારગતિના જીવો પોતાના જાતિવેરને ભૂલીને પ્રભુની દેશના સાંભળે છે. અને પોતપોતાની રુચિ અને પુરુષાર્થ પ્રમાણે તે બોધને ગ્રહણ કરે છે. આ દેશના વખતે એક જ સમયે એક જ સ્થળે ઉંદર-બિલાડી, વાઘ-બકરી, સાપ-નોળિયો આવા યુગ યુગના પરસ્પરના વેરીજીવ પોતાની પ્રકૃતિને તે સમય પૂરતી ભૂલીને, વિસ્મૃત કરીને, બાજુ ઉપર મૂકીને, પ્રભુની દેશના ભાવપૂર્વક સાંભળે છે. જીવનના સંગ્રામમાં આ ચારે ગતિના જીવોમાં પરસ્પર શત્રુ હોવાછતાં પરમાત્માની પરમ વીતરાગતા, સર્વજ્ઞતા, પરમાત્માના અનંતાગુણો અને અષ્ટ-પ્રાતિહાર્યયુક્ત અતિશયોવાળો પુણ્યપ્રભાવ, આ બધાને કારણે તે જીવો સમવસરણમાં શાંત થઈને એકચિત્તે પરમાત્માની દેશના સાંભળે છે.
આજના પડતા કાળમાં જીવની સ્થિતિ!
વર્તમાન ચોવીસીના તમામ તીર્થકરોની દેશના સમવસરણમાં આ રીતે જીવોએ સાંભળી છે. આ કાળના જીવો હાલ હુંડાવસર્પિણી કાળમાંથી પસાર થઈ રહ્યા છે. જૂના સમયમાં આ શ્લોકમાં જણાવ્યા પ્રમાણે રાજાઓ વચ્ચે યુદ્ધ ખેલાતા હતા. આ કાળમાં દરેકે દરેક જીવ જીવનસંગ્રામ ખેલી રહ્યો છે. તે કાળમાં યુદ્ધમાં હાથી-ઘોડાના નાદ અને મારો-કાપોની ગર્જના હતી. તો આ કાળમાં જીવ પોતાની જાત સાથે ભીષણ સંગ્રામ ખેલી રહ્યો હોય તેમ જણાય છે. તે હળુકર્મી જીવોની સરખામણીમાં આ કળયુગનો જીવ જીવન સંગ્રામમાં ભારે યાતના અને વેદના ભોગવી રહ્યો છે. તેની વાત જરા વિગતથી વિચારીએ તો એમ જણાશે કે પરમાત્માની દેશના વખતે ચારગતિના પ્રાણીઓ જાતિવેરને ભૂલીને સમવસરણમાં આવતા હતા. પડતો કાળ હોવાથી વર્તમાનમાં ગમે તે ધર્મના, ગમે તે સંપ્રદાયના મહાત્માની સભામાં હજારોની સંખ્યામાં માનવમેદની ઊમટતી હોય તોપણ તે જીવો પોતાના રાગ-દ્વેષ અને અજ્ઞાનને અકબંધ રાખીને સભામાં આવે છે. અને પ્રવચનો અને વ્યાખ્યાનો સાંભળે છે. પ્રવચનમાં એક જ ધર્મ કે સંપ્રદાયના લોકો પ્રવચન સાંભળવા સામાન્યતઃ એકઠા થાય છે. પરંતુ તેમના પારસ્પરિક વેર-દ્વેષ, રાગ અને અજ્ઞાન પોતાનાં જ સગાં-વહાલાં તરફ ગજબ રીતે ગુંથાયેલા હોય છે. પ્રવચન કે વ્યાખ્યાન સાંભળતો જીવ, દોષ દષ્ટિને કારણે પોતે કદી પણ સત્યને સ્વીકારી શકતો નથી. ભરપૂર આત્મવંચના
Jain Education International
For Private & Personal Use Only
(૧૧)
www.jainelibrary.org