________________
કરવાથી તે ચિત્તની દશાને ઉન્નત કરે છે. અહીં નિરંતર કંઠમાં ધારણ કરવાનો અર્થ સ્થળ અને સૂક્ષ્મ રીતે અલગ અલગ થાય છે. આ સ્તોત્રને ભક્તિભાવપૂર્વક નિરંતર રટણ કરનારને પ્રતિકૂળતા અને વિપત્તિઓ નડતી નથી. અને આ જગતની અંદર રિદ્ધિ-સિદ્ધિ, સુખ, સમૃદ્ધિ વગેરે મળે છે. આ રીતે ભક્તામર સ્તોત્રની આરાધના કરનાર જીવ પોતે તેના પ્રભાવે પોતાના જીવનમાં સુખ, શાંતિ અને આનંદનો અનુભવ કરે છે. પરંતુ વાત કે રહસ્ય આટલેથી અટકતું નથી. એક કથામાં એવું આવે છે કે દેશાવર જવા નીકળેલા ત્રણ સાથીમાંથી પહેલાને તાંબાની ખાણ મળતા રોકાઈ જાય છે. બીજા બે આગળ જવાથી કંઈક વધુ સારું મળશે તે આશાએ આગળ જાય છે તો તેમને સોનાની ખાણ મળે છે અને તેનાથી સંતુષ્ટ થઈને બીજો સાથી અહીં રોકાઈ જાય છે અને તેમનો છેલ્લો સાથી સોનાથી પણ સંતુષ્ટના થતાં કંઈક વધુ મૂલ્યવાન મેળવવા પોતાનો પુરુષાર્થ અને મુસાફરી જારી રાખે છે તો તેને હીરા અને રત્નોની ખાણ મળે છે. આ જાણીતી લોકકથા અહીં ઘણી જ બંધબેસતી થાય છે. ભાવવિભોર થઈ ભક્તિરસમાં ડૂબેલો જીવ આ સ્તોત્રનો પાઠ કરે છે ત્યારે તે નિરંતર પાઠ કરતો હોવાથી તેને પૃથ્વીલોકના સુખ સાધનો અને સામગ્રી સહજપણે પ્રાપ્ત થાય છે ત્યારે બીજી કોઈ વ્યક્તિ પોતે આ સ્તોત્રનો ખૂબ જ ભક્તિભાવપૂર્વક નિરંતર પાઠ કરે તો તેનામાં પ્રગટ થયેલા ધનાદિગુણો વગેરેને કારણે તે આ લોકમાં પણ સુખ પ્રાપ્ત કરે છે. અને વિપુલ પુણ્યબંધના કારણે તે સ્વર્ગલોકના સુખને પણ પ્રાપ્ત કરે છે . અંતે આનાથી પણ આગળ વધેલો આત્મા કંઠમાં આ સ્તોત્રને પુષ્પમાળા તરીકે એ રીતે ધારણ કરે છે કે જેમ કોઈ યોગી પોતાની સર્વનાડીઓનું વિશુદ્ધિકરણ કરતાં-કરતો વિશુદ્ધચક્ર, આજ્ઞાચક્ર, સહસ્ત્રાર તરફ આગળ વધે અને તે પણ યોગીની યોગ પ્રક્રિયા દ્વારા નહીં પરંતુ ભક્તિમાર્ગના પરમ શુદ્ધ સમર્પણ દ્વારા અહંકારનો નાશ કરી આત્માના પ્રદેશ-પ્રદેશે આત્મગુણોની ભક્તિ સિવાય જેને બીજુ કંઈ હોય નહીં તેવા વિરલ આત્માઓ જિતેન્દ્રિય થઈ વીતરાગતા પ્રાપ્ત કરી પરમપદને અને મોક્ષને પામે છે.
આમ આ સ્તોત્રના અંતિમ શ્લોકમાં અત્યંત રહસ્યપૂર્ણ બોધ અને શિક્ષાવચન દ્વારા મહાકવિએ જણાવ્યું છે કે આ એક જ સ્તોત્રનો તમે જે ભક્તિભાવથી અને ઉત્કંઠતાથી પ્રયોગ કરશો, જેવા તમારા ઉપયોગ અને પરિણામ હશે તે પ્રમાણે દરેક ભક્તને ઇહલોકની રાજ્યલક્ષ્મી, સ્વર્ગલક્ષ્મી કે મોક્ષલક્ષ્મી જે સ્વયં કોઈને વશ નથી થતી, તે આ સ્તોત્રને નિરંતર કંઠમાં ધારણ કરનારને સહજપણે અને અનાયાસે પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private
Personal Use Only
www.jainelibrary.org
૧ ૦૮