________________
સ્થિર દૃષ્ટિમાં ભાવપૂર્વક અને એકાગ્રતાપૂર્વક દર્શન કરવાની વાત છે..
એક જાણીતા દૃષ્ટાંતથી વિચારીએ તો કથાનુયોગ.માં ગુરુ શ્રી દ્રોણાચાર્યએ ધનુર્વિદ્યાની પરીક્ષા લેતી વખતે તેમના શિષ્યોને વૃક્ષ અને તેના ઉપર રહેલા પંખીને જોવાનું કહ્યું ત્યારે કોઈએ આકાશ, વૃક્ષ અને પંખી દેખાતું હોવાનું કહ્યું, કોઈએ વૃક્ષ અને પંખી દેખાતું હોવાનું કહ્યું, કોઈએ માત્ર પંખી ઉપર એકાગ્રતા કેન્દ્રિત કરી ત્યારે સર્વશ્રેષ્ઠ ધનુર્વાર અર્જુને માત્ર પંખીની આંખ દેખાતી હોવાનું કહ્યું. બાણ છોડીને પંખીની આંખ વિંધીને ધનુર્વિદ્યામાં તે સર્વોત્તમ સિદ્ધ થયો. અહીં પ્રભુના દર્શન સ્થિર દષ્ટિએ કરવાની જે વાત કરી છે તેનું તાત્પર્ય એ છે કે આત્મા માટે જ્યારે મન, વચન અને કાયાના યોગથી સંપૂર્ણ ભાવપૂર્વક પૂરી એકાગ્રતા સાથે પોતાના તમામ ઉપયોગને પ્રભુના દર્શનમાં પરોવે ત્યારે જ પરમાત્માની અનુપમ દિવ્યતાનું દર્શન થાય છે. આવું દર્શન બધાને કેમ નહીં થતું હોય?
આવી સ્થિરતા કઈ રીતે પ્રાપ્ત થઈ શકે? તો તેનો જવાબ એક દષ્ટાંતથી એ રીતે આપી શકાય કે સરોવરના જળમાં સરોવરના કિનારે બેસીને પૂનમની ચાંદની રાતે ચંદ્રના પ્રતિબિંબનું સ્પષ્ટ દર્શન કરવું હોય તો બે શરતો પૂરી કરવી પડે. એક તો વાયુ શાંત હોય અને બીજુ તેમાં બહારથી કોઈ પથ્થર કે તેવા પદાર્થ ન ફેંકવામાં આવે તો સંપૂર્ણપણે શાંત અને સ્થિર એવા સરોવરના જળમાં પૂનમના ચંદ્રનું સ્પષ્ટ દર્શન થાય. પોતાના ચિત્તરૂપી સરોવરમાં રાગ-દ્વેષ-અજ્ઞાન-લોભ-મોહ-અહંકાર આવા વિવિધ પ્રકારના પથ્થરો દ્વારા નિત્ય નિરંતર એક સમય માત્રના વિક્ષેપ વગર જળ ડહોળાતું રહેતું હોવાના કારણે ડોહળાતા જળમાં પ્રતિબિંબ પડે કેવી રીતે? અને દર્શન થાય કેવી રીતે? વિભાવો અને કષાયોના કારણે મનના સમુદ્રમાં વિચાર તરંગોના મોજાં ખૂબ ઊંચા ઊછળતા હોય છે અને આ મોજાં ઊછળતા બંધ ન થાય ત્યાં સુધી પરમાત્માના અનુપમ દિવ્ય સ્વરૂપ અને ગુણોનું દર્શન થતું નથી.
ઉપર જણાવ્યા પ્રમાણે આ રીતે સ્થિર દષ્ટિના યોગ વડે આત્મા જ્યારે પોતાની આત્મ સ્થિરતાને પ્રાપ્ત કરે, પોતાના ઉપયોગ અને પરિણામને પણ સ્થિર કરે, આત્મદર્શન તરફ તેને રુડા ભાવ જાગે, પરમાત્મદર્શનની તીખી તમન્ના પ્રગટે ત્યારે સ્થિર દષ્ટિને પ્રાપ્ત થયેલો એવો જીવ અનંતા ગુણોથી ભરેલા એવા સર્વજ્ઞ વીતરાગ પરમાત્માના (પ્રજ્ઞા ખુલી હોવાથી અને આંતરદષ્ટિ સ્થિર થઈ હોવાથી) અનુપમ દિવ્ય સ્વરૂપનું દર્શન કરે તેમાં શું આશ્ચર્ય છે!
Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only
(૬૪)