________________
દ્રવ્ય દૃષ્ટિ મેરુ જેવી અડગતા અને અવિકારી સ્વભાવની પ્રતીતિ આપે છે.
ઉપર આપણે બહુચિત્તવાન મનની અવસ્થા વિષે વિચાર્યું. અહીં આપણને એમ જણાવવામાં આવ્યું છે કે દેવાંગનાની ચેષ્ટાઓ અને શૃંગાર ૫૨માત્માને સહેજ પણ વિકાર પમાડતાં નથી. આ કઈ રીતે? સમ્યગ્ દર્શનથી સર્વજ્ઞતા સુધીની જે ભૂમિકા છે, તે ભૂમિકામાં જે ચિત્ત અનેક ખંડોમાં વિભાજિત હતું, તે ચિત્ત પોતાના જ અનુભવના બળ ઉપર પોતાની ખંડિત અવસ્થાનું ભાન થતાં ખોટી માન્યતા અને મિથ્યાત્વ બુદ્ધિને તેમજ સુખની ખોટી કલ્પનાઓને સાપ કાંચળી ઉતારે તેમ સહજપણે ત્યાગી દે છે. અને ક્રમશઃ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ સ્થિર થતાં પોતાના અનુપમ શુદ્ઘ દ્રવ્યના રસમાં નિમગ્ન થાય છે. ત્યાં રહેલા અપૂર્વ આનંદને વંદે છે. પ્રજ્ઞારૂપી છીણી વડે જડ ચેતનનો ભેદ પડે છે. પોતાના જ્ઞાતાદ્રષ્ટાપણાના સ્વભાવનો અનુભવ થાય છે. કર્તૃત્ત્વ બુદ્ધિ છૂટી જાય છે. અહંકાર અને મમત્વ મોહ વિગેરે અત્યંત ક્ષીણ થાય છે. સંકલ્પ અને વિકલ્પની ભૂમિકામાંથી ખસી જઈ નિર્વિકલ્પ અતીન્દ્રિય આનંદની અંદર ભગવાન-આત્મા ડૂબે છે. આ સ્તોત્રમાં જેની સ્તુતિ થઈ છે; તે પરમાત્મપદને પામેલા પ્રથમ તીર્થંકર શ્રી ઋષભ જિનેશ્વર ત્રિલોકપતિ પૂર્ણાનંદના નાથ છે. નિત્ય નિરંતર અવિકારી છે. તો આવા સમર્થ પ્રભુને દેવાંગનાઓના શૃંગાર કે ચેષ્ટાઓ(જે ત્રિકાળી જડ છે) તે શું અસર કરી શકે? ના, કદાપિ નહીં, એક સમયમાત્રાના માટે પણ તે અસર ન કરી શકે.
આ જ શ્લોકમાં આગળ જણાવાયું છે કે પ્રલયકાળનો ઝંઝાવાતી પવન અને પવનનું તાંડવ નૃત્ય બીજા પર્વતોને કંપાવી શકે તે માની શકાય તેમ છે. પરંતુ તે મેરુપર્વતના શિખરને કદાપિ કંપાવી શકતો નથી. તેવી જ રીતે કોઈપણ વિકારો ભવાટવિ માં ભ્રમણ કરતાં સમર્થ વ્યક્તિને લોભાવી શકે તેમ બની શકે છે, દેવાંગનાઓના શૃંગાર અને ચેષ્ટાઓ ભલભલા દેવોને લોભાવી શકે તેમ બની શકે પરંતુ શ્રીઋષભ જિનેશ્વર તો અડોલ મેરુશિખર સમાન છે તેને ત્રણકાળના કોઈપણ પ્રકારનો વિકાર એક સમય માત્રના માટે પણ અસર કરી શકે તેમ નથી. તેમ આ શ્લોકમાં જણાવાયું છે.
Jain Education International
For Privatonal Use Only
www.jainelibrary.org