________________
સ્તુતિ ચિત્તને આનંદ આપનાર છે. સ્તુતિ એકાગ્રતા આપનાર છે. સ્તુતિ સમર્પણના ભાવને જન્મ આપનાર છે. સ્તુતિ હૃદયના મલિન કે અશુદ્ધ ભાવોને શુદ્ધ કરનાર છે. સ્તુતિ જગતના જીવોની વિભાવ તરફની રુચિને તોડી પરમાત્મા સાથે જોડનાર છે. સ્તુતિ હૃદયમાં કોમળતા, ઋજુતા, શુદ્ધતા અને નિર્મળતાને જન્મ આપનાર છે. એવી સ્તુતિની અને એવા સ્તોત્રોની કે જેમાં સમસ્ત શાસ્ત્રોનો સાર સમાયો હોય. જે સાગર સમાન ધીરગંભીર અને ઊંડા અર્થવાળા હોય, બિંદુમાં સિંધુની જેમ સઘળું કહેવાયું હોય અને તેથીજ જે ત્રણે જગના સર્વ જીવોના ચિત્તનું હરણ કરનાર હોય તેવા સ્તોત્રોની રચના વડે દેવોએ ઋષભદેવ પ્રભુની સ્તુતિ કરેલ છે. આ સ્તોત્રો અત્યંત ઉદાર અને ભાવનાવાળા હોવાથી ત્રણે જગતના જીવોને તે સ્તોત્ર જાણે કે પોતાના માટે જ રચાયું હોય તેવી અનુભૂતિ સાથે તેમના ચિત્તનું હરણ કરનાર છે. તેથી બીજા શ્લોકના અંતે આત્માનંદમાંથી બહાર આવી સ્તોત્રના રચયિતા કવિવર આચાર્યદેવ માનતુંગસૂરિશ્વરજી કહે છે કે, દેવેન્દ્રોની જેમ પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનની હું પણ સ્તુતિ કરીશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
(૩૧)