________________
૧૭૦
આગમિક વ્યાખ્યાઓ આચ્છાદિત કરી દેવાથી તે પોતાનો પ્રકાશ તે છિદ્રો દ્વારા થોડો થોડોક જ ફેલાવી શકે છે તે જ રીતે જ્ઞાનપ્રકાશ સ્વરૂપ આત્મા પણ આવરણોનો ક્ષયોપક્ષમ થયા પછી ઈન્દ્રિયરૂપ છિદ્રો દ્વારા પોતાનો પ્રકાશ થોડોક જ ફેલાવી શકે છે. મુક્તાત્મામાં આવરણોનો સર્વથા અભાવ હોય છે આથી તે પોતાના પૂર્ણ રૂપે પ્રકાશિત થાય છે. તેને સંસારના બધા પદાર્થોનું જ્ઞાન હોય છે. આનાથી એમ સાબિત થાય છે કે મુક્ત આત્મા જ્ઞાની છે.'
મુક્તાત્માનું સુખ નિરાબાધ હોય છે, તે વાત સમજમાં નથી આવતી કારણકે પુણ્યથી સુખ થાય છે અને પાપથી દુઃખ. મુક્તાત્મામાં પુણ્ય-પાપરૂપ કોઈ પણ પ્રકારના કર્મનો સદ્ભાવ નથી હોતો આથી તેમાં સુખ દુઃખ બંનેનો અભાવ હોવો જોઈએ, જેમ આકાશમાં સુખ-દુઃખ કંઈ પણ નથી હોતું. બીજી વાત એ છે કે સુખ-દુઃખનો આધાર દેહ છે. મુક્તિમાં દેહનો અભાવ છે આથી ત્યાં આકાશની માફક સુખ અને દુઃખ બંનેનો અભાવ હોવો જોઈએ. આનું સમાધાન કરતાં કહેવામાં આવ્યું છે કે વસ્તુતઃ પુણ્યનું ફળ પણ દુઃખ જ છે કેમકે તે કર્મજન્ય છે. જે કર્મજન્ય હોય છે તે પાપફલની જેમ દુઃખરૂપ જ હોય છે. કોઈ આનું વિરોધી અનુમાન પણ ઉપસ્થિત કરી શકે છે પાપનું ફલ પણ વસ્તુતઃ સુખરૂપ જ હોય છે કેમકે તે કર્મજન્ય છે. જે કર્મજન્ય હોય છે તે પુણ્યફલ સમાન સુખરૂપ જ હોય છે. પાપનું ફલ પણ કર્મજન્ય છે આથી તે સુખરૂપ હોવું જોઈએ. બીજી વાત એ છે કે પુણ્યફલનું સંવેદન અનુકૂલ પ્રતીત થવાને કારણે સુખરૂપ છે. આવી સ્થિતિમાં પુણ્યલને દુઃખરૂપ કહેવું પ્રત્યક્ષવિરુદ્ધ છે. આ શંકાનું સમાધાન કરતાં મહાવીર કહે છે કે જેને પ્રત્યક્ષ સુખ કહેવામાં આવે છે તે સુખ નથી પરંતુ દુઃખ જ છે. સંસાર જેને સુખ માને છે તે વ્યાધિ વગેરેના પ્રતિકાર સમાન દુ:ખરૂપ જ છે. આથી પુણ્યના ફલને પણ તત્ત્વતઃ દુઃખ જ માનવું જોઈએ. આના માટે અનુમાન પણ કરી શકાય છે. વિષયજન્ય સુખ દુ:ખ જ છે કેમકે તે દુઃખના પ્રતીકાર રૂપે છે. જે દુઃખના પ્રતીકાર રૂપે હોય છે તે કુષ્ઠાદિ રોગના પ્રતીકારરૂપ ક્વાથપાન વગેરે ચિકિત્સા સમાન દુઃખરૂપ જ હોય છે. એવું હોવા છતાં પણ લોકો તેને ઉપચારથી સુખ કહે છે. ઔપચારિક સુખ પારમાર્થિક સુખ વિના સંભવિત નથી, આથી મુક્ત જીવના સુખને પારમાર્થિક સુખ માનવું જોઈએ. તેની ઉત્પત્તિ સર્વદુઃખના ક્ષય દ્વારા થાય છે, જે બાહ્ય વસ્તુના સંસર્ગથી સર્વથા નિરપેક્ષ છે. આથી મુક્તાવસ્થાનું સુખ મુખ્ય અને વિશુદ્ધ સુખ છે તથા પ્રતીકારરૂપ સાંસારિક સુખ ઔપચારિક અને વસ્તુતઃ દુ:ખરૂપ છે.
૧. ગા. ૧૯૯૭-૨૦૦૧.
૨. ગા. ૨૦૦૨–૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org