________________
સપ્તમ પ્રકરણ શાન્તિસૂરિકૃત ઉત્તરાધ્યયનટીકા વાદિવેતાલ શાન્તિસૂરિએ ઉત્તરાધ્યયનસૂત્ર પર ટીકા રચી છે. તેમનો જન્મ રાધનપુરની પાસેના ઉણ—ઉન્નતાયુ નામના ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ધનદેવ હતું અને માતાનું નામ ધનશ્રી હતું. શાન્તિસૂરિનું બાલ્યાવસ્થાનું નામ ભીમ હતું. પ્રભાવક-ચરિત્રમાં તેમનું ચરિત્ર-વર્ણન આ મુજબ છે :
તે સમયે પાટણમાં “સંપક વિહાર' નામનું એક પ્રસિદ્ધ જિનમંદિર હતું. તેની જ પાસે થારાપદ ગચ્છનો ઉપાશ્રય હતો. આ ઉપાશ્રયમાં થારાપદ્ર-ગચ્છીય વિજયસિંહસૂરિ નામના આચાર્ય રહેતા હતા. તેઓ વિચરતા વિચરતા ઉન્નાયુ પહોંચ્યા અને ધનદેવને સમજાવીને પ્રતિભાશાળી બાળક ભીમને દીક્ષા આપી. દીક્ષા પછી ભીમનું નામ શાન્તિ થઈ ગયું. કાલક્રમે શાન્તિ આચાર્યપદ પ્રાપ્ત કરીને વિજયસિંહસૂરિના પટ્ટધર શિષ્ય શાન્તિસૂરિ થયા.
પાટણના ભીમરાજની સભામાં શાન્તિસૂરિ “કવીન્દ્ર” તથા “વાદિચક્રવર્તી રૂપે પ્રસિદ્ધ હતા. કવિ ધનપાલે પ્રાર્થના કરવાથી શાન્તિસૂરિએ માલવપ્રદેશમાં વિહાર કર્યો તથા ભોજરાજની સભાના ૮૪ વાદીઓને પરાજિત કરી ૮૪ લાખ રૂપિયા પ્રાપ્ત કર્યા. માળવાના એક લાખ રૂપિયા ગુજરાતના ૧૫ હજાર રૂપિયા બરાબર થતા હતા. આ હિસાબે ભોજે ૧૨ લાખ ૬૦ હજાર ગુજરાતી રૂપિયા શાન્તિસૂરિને ભેટ આપ્યા. આમાંથી ૧૨ લાખ રૂપિયા તો તેમણે ત્યાં જ જિનમંદિર બનાવવામાં ખર્ચી નાખ્યા. બાકીના ૬૦ હજાર રૂપિયા થરાદનગરમાં મોકલાવ્યા છે ત્યાંના આદિનાથ મંદિરમાં રથ વગેરે બનાવવામાં વાપરવામાં આવ્યા.
પોતાની સભામાં પંડિતો માટે શાન્તિસૂરિ વેતાલ સમાન હતા આથી રાજા ભોજે તેમને “વાદિવેતાલ' પદથી વિભૂષિત કર્યા. ધારાનગરીમાં કેટલોક સમય સુધી રોકાઈને શાન્તિસૂરિએ મહાકવિ ધનપાલની “તિલકમંજરી'નું સંશોધન કર્યું અને પછી ધનપાલ સાથે તેઓ પણ પાટણ આવ્યા. તે સમયે ત્યાંના શેઠ જિનદેવના પુત્ર પદ્મદેવને સાપે ડંખ માર્યો હતો. તેને મૃત સમજીને જમીનમાં દાટી દેવામાં આવ્યો હતો. શાન્તિસૂરિએ તેને નિર્વિષ કરી જીવન-પ્રદાન કર્યું.
૧. શ્રીશાન્તિસૂરિ-પ્રબન્ધ (મુનિ કલ્યાણવિજયજીનું ભાષાંતર).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org