________________
દ્રવ્ય-ગુણનિરૂપણ
પ્રશ્ન ઃ સીધા માટીમાંથી ઘડો વગેરે બનાવી દેવાના. પરમાણુમાંથી ચણુકાદિ બનાવવાની શી જરૂર ? (અને તેથી પરમાણુ વગેરેના પ્રત્યક્ષની શી જરૂર ?)
ઉત્તર ઃ જગત્ની સૃષ્ટિ અને પ્રલય થયા કરે છે. એમાં પ્રલય બે પ્રકારે થાય છે.
(૧) જન્ય દ્રવ્યમાત્રનો ધ્વંસ એ ખંડપ્રલય. આમાં બધા કાર્ય દ્રવ્યોનો નાશ થઈ પરમાણુરૂપ બની જાય છે. આ પ્રલય પછી પુનઃ સર્જન થવાનું હોય છે તે પરમાણુમાંથી થાય છે. આ સર્જન માટે જીવોનું અદૃષ્ટ પણ આવશ્યક હોય છે. જેમ આખા દિવસના કામ પછી રાત્રે નિદ્રાધીન થઈ બીજે દિવસે પાછી જાગૃતિ અને કાર્ય... તેમ આ પ્રલય અંગે જાણવું. (૨) કાર્યમાત્રનો જેમાં ધ્વંસ થઈ જવાનો છે તે મહાપ્રલય ઃ
સામાન્યથી, કાર્યોત્પત્તિ પૂર્વે ૮ સાધારણ કારણો જોઈએ :
(૧) દેશ (૨) કાલ - કોઈપણ કાર્ય તે તે અમુક દેશમાં અને અમુક કાળમાં જ થાય છે.
(૩) જ્ઞાન (૪) ઇચ્છા (૫) કૃતિ
43
(૬) પ્રાગભાવ (૭) અદૃષ્ટ (=ધર્મ-અધર્મ) (૮) ઈશ્વર.
ધારો કે ૪થી ક્ષણે કપાલ અને કપાલસંયોગ હાજર થઈ જવાથી ૫મી ક્ષણે ‘ઘટ’ કાર્ય થઈ જાય છે. હવે પાંચમી ક્ષણે પણ એ બે હાજર તો છે જ. તો છઠ્ઠી ક્ષણે પણ નવો ઘડો પેદા કેમ નથી થતો ? એવું તે કયું કારણ છે કે જે ૪થી ક્ષણે હતું અને પમી ક્ષણે નથી, જેથી પમી ક્ષણે કાર્યોત્પત્તિ થઈ અને છઠ્ઠી ક્ષણે ન થઈ ? તો કે એ ‘ઘટપ્રાગભાવ' નામનું
કારણ છે.
૪થી ક્ષણે થયેલો કપાલસંયોગ એ પમી ક્ષણે ઘડાને ઉત્પન્ન કરે છે અને ઘટપ્રાગભાવનો નાશ કરે છે. આ ઘટપ્રાગભાવ પણ ઘટોત્પત્તિનું એક કારણ છે. તે પમી ક્ષણે ગેરહાજર થઈ જવાથી છઠ્ઠી ક્ષણે ઘટોત્પત્તિ થઈ શકતી નથી. આ પ્રાચીન નૈયાયિકનો મત છે.
નવ્યોનો મત : માટી વગેરે રૂપ સમવાયિકારણમાં પેદા થઈ ગયેલ દ્રવ્યકાર્ય, અન્ય દ્રવ્યકાર્યનો પ્રતિબંધક છે. માટે છઠ્ઠી ક્ષણે ઘટોત્પત્તિ થતી નથી.
દંડ - ચક્રાદિ નિમિત્તકારણો તથા સમ∞ અસમ૰ કારણો જુદા જુદા કાર્ય પ્રત્યે જુદા જુદા હોવાથી સાધારણ નથી. વળી, ઘટ વગેરે એક ચોક્કસ કાર્ય પ્રત્યે પણ દંડ વગેરે નિમિત્તકારણ એ સાધારણકારણ નથી. કારણ કે ઘડામાંથી જ્યારે એક કાંકરી પણ ખરી પડે છે. ત્યારે નવો ઘડો બને છે. વખતે દાંડો - ચક્ર - કુંભાર વગેરે તો હોતા નથી. એટલે કે આ નવો ઘડો ઉત્પન્ન થયો એમાં ચક્ર-દંડ વગેરે નિમિત્તકારણ બનતા નથી. માટે દંડ વગેરે નિમિત્તકારણ એ સાધારણ કારણ નથી.
પ્રશ્ન ઃ કાંકરી ખરી પડવા માત્રથી નવો ઘડો બની જાય ?
ઉત્તર ઃ હા, કેમકે એક પણ પરમાણુ ઓછો થાય એટલે તેની સાથે સંયોગથી રહેલ બીજા પરમાણુનો પણ સંયોગ જાય. એમ પરંપરાએ તમામ સંયોગો નષ્ટ થઈ જવાથી જૂનો ઘડો નષ્ટ થઈ જાય. હવે બીજા અણુ સાથે નવો સંયોગ થયો. એમ, પરંપરાએ તમામ સંયોગો નવા થવાથી નવો ઘડો બની ગયો. આ નવા ઘડાના પણ સમ૰ અસમ કારણો તો છે જ. પણ કુંભાર વગેરે નિમિત્ત કારણો નથી.
પ્રશ્ન ઃ જો કુંભાર એનો કર્તા નથી, તો એ ઘડો કોના જ્ઞાન, ઇચ્છાથી બન્યો ?
ઉત્તર ઃ ઈશ્વરના જ્ઞાન-ઇચ્છાથી બન્યો. માટે ઈશ્વરને પરમાણુ સુધીની દરેક વસ્તુઓનું પ્રત્યક્ષ જ્ઞાન માનવું પડે છે.
+++ +++
વૈશેષિકોના મતે પદાર્થો ૭ છે.
દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ.