________________
58
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
પરનાં આવરણ કર્મો, તેને હરનારા શ્રીકૃષ્ણ. અથવા ત્રીજો અર્થ : ગો=પૃથ્વી, તેના પાલક રાજા=પાંડવો, તેમની પત્ની દ્રૌપદી, તેના વસ્ત્રોને પૂરનારા શ્રીકૃષ્ણ.
(મંગલવાદ-પૂર્વપક્ષ)
(વિ.) ‘નનુ માતા ન વિઘ્નધ્વંસ...' ઇત્યાદિ દ્વારા મુક્તાવલીમાં પૂર્વપક્ષ રજૂ થઈ રહ્યો છે. (અહીં પ્રશ્ન ઊઠાવવો જોઈએ કે મંગલ વિઘ્નધ્વંસ વગેરે પ્રત્યે કારણ નથી એવો પૂર્વપક્ષ ઉદ્ભવ્યો શી રીતે ? અર્થાત્ ગ્રંથકારે કઈ વાત કરી જેના પર નાસ્તિક આવો પૂર્વપક્ષ કરી રહ્યો છે ? આ પ્રશ્નના જવાબમાં એટલું જણાય છે કે ‘શિષ્યો પણ મંગલને કર્તવ્યરૂપે જાણે' એ વાત મુક્તાવલીકારે છેલ્લે કહી છે. એટલે એની સાથે આ પૂર્વપક્ષનો સંબંધ જોડવો જોઈએ. તે આ રીતે :)
નાસ્તિક ઃ તમે મંગલને કર્તવ્ય કહો છો, પણ મંગલ કર્તવ્ય નથી, કેમ કે નિષ્ફળ છે, જેમ કે પશુએ સ્વપુચ્છ દ્વારા કરેલું જલતાડન.
(१) मंगलं न कर्तव्यं, निष्फलत्वात्, पश्वादिविहितजलताडनवत्
ઘણીવાર એવું બનતું હોય છે કે પ્રતિપાદ્ય પદાર્થ અંગે ગ્રંથકારના અભિપ્રાય કરતાં અન્ય વિદ્વાનના અભિપ્રાય-પ્રતિપાદન જુદા પડતા હોય છે. આ અન્ય વિદ્વાન ગ્રંથકાર માટે ‘પૂર્વપક્ષી’ કહેવાય છે અને એનો અભિપ્રાય ‘પૂર્વપક્ષ’ કહેવાય છે. ‘આ પૂર્વપક્ષ અયોગ્ય છે અને પોતાનું પ્રતિપાદન જ નિર્દોષ છે’ એમ સિદ્ધ કરવા માટે ગ્રંથકાર પૂર્વપક્ષી પાસે એનો અભિપ્રાય રજૂ કરાવે છે. આ રજુઆત પૂર્વપક્ષગ્રંથ કે શંકાગ્રંથ કહેવાય છે. પૂર્વ પક્ષની રજુઆત થઈ ગયા બાદ ગ્રંથકાર એ પૂર્વપક્ષમાં શું દોષ રહ્યો છે તેને દર્શાવે છે. અને સ્વાભિપ્રાય વધુ ઉચિત છે એમ ફલિતાર્થ તરીકે સાક્ષાત્ શબ્દો દ્વારા જણાવે છે. આ ઉત્તરપક્ષગ્રંથ કે સમાધાનગ્રંથ કહેવાય છે.
પદાર્થના વિશદસ્પષ્ટીકરણ માટે કે શિષ્યબુદ્ધિવૈશધાર્થ (=શિષ્યની બુદ્ધિ વિશદ થાય એ માટે) ગ્રંથકાર જેનાથી પૂર્વપક્ષી નિરુત્તર બની જાય અને ગ્રંથકારની પોતાની વાતની નિઃશંક સિદ્ધિ થઈ જાય એવી પોતાની સૌથી વધુ ધારદાર સક્ષમ દલીલને ઘણીવાર પહેલેથી જ જણાવી દેતા નથી, કિન્તુ જેનો પૂર્વપક્ષી કંઇક જવાબ આપી શકે ને પોતાની દલીલને તોડી શકે એવી દલીલ આપે છે. એટલે પૂર્વપક્ષી એ દલીલને તોડવા માટે ને પોતાની વાતને સિદ્ધ કરવા માટે ફરીથી રજુઆત કરે છે. પુનઃ ગ્રંથકાર કો'ક દોષ દર્શાવીને આ રજુઆતને ફગાવી દે છે. આવી પૂર્વપક્ષ-ઉત્તરપક્ષની ક્યારેક ક્યારેક પરંપરા પણ ચાલે છે ને છેવટે નિષ્કર્ષ આવે છે.
વળી, દરેક વખતે એવી જરૂર નથી હોતી કે ગ્રંથકારે પૂર્વપક્ષ તરીકે જે જે રજુઆત કરી હોય એવી માન્યતાવાળા પૂર્વપક્ષી વિદ્યમાન હોય જ. ક્યારેક શિષ્યને જ જિજ્ઞાસુભાવે એવી શંકા ઊઠે ને એ પૂછતો હોય એવું પણ બને છે. ને ક્યારેક તો શિષ્યને શંકા ન ઊઠતી હોય તો પણ, તે તે પ્રરૂપણામાં શંકા કેવી રીતે ઊઠાવાય, એનું સમાધાન કેવી રીતે કરાય ને પદાર્થની સ્પષ્ટ જાણકારી કેવી રીતે સધાય એની હથોટી શિષ્યને કેળવાય એ માટે ગ્રંથકાર ખુદ જ શંકાઓ ઊઠાવીને એનું સમાધાન આપતા હોય છે.
વળી, ક્યારેક તો, ગ્રંથનો નાહક વિસ્તાર ન થઈ જાય એ માટે, ગ્રંથકાર આ શકાગ્રંથનો ઉલ્લેખ કર્યા વિના જ સીધો સમાધાનગ્રંથ જણાવી દેતા હોય છે. છતાં એ વખતે પણ ગ્રંથકારના મનમાં તો એ શંકા હોય છે જ જેના સમાધાન રૂપે પોતે વિવક્ષિત સમાધાન આપી રહ્યા હોય છે. પદાર્થના યથાર્થ બોધ માટે, ગ્રંથકારના મનમાં ડોકાતી આ શંકાને જાણવી પણ આવશ્યક હોય છે. એ કઈ રીતે જાણી શકાય? ગ્રંથકારના શબ્દો એમના મનના વિચારોનું પ્રતિબિંબ પાડતા હોય છે. માટે શબ્દો પરથી જ એ જાણી શકાય.
તે આ રીતે ઃ કોઈ પદાર્થના નિરૂપણ માટે કે પૂર્વપક્ષના નિરાકરણ માટે એક વાત કહ્યા પછી એ માટે જ બીજી વાત કહી હોય, અથવા કોઈ વિશિષ્ટ પ્રકારના વિશેષણનો ઉપયોગ કર્યો હોય કે પ્રવાહબદ્ધ પ્રરૂપણામાં કંઈક વિલક્ષણતા ઊભી કરી હોય. આવું કે આવું બીજું કંઈક જોવા મળે તો ત્યાં ગ્રંથકારના મનમાં કંઈક શંકા હોવી પૂર્ણતયા સંભવિત હોય છે. આવું કંઈક જોવા મળે એટલે, ‘કંઈક શંકા હોવી જોઈએ’ આટલી સામાન્યથી શંકાની સંભાવના કરવી જોઈએ. અને પછી એ શંકા કઈ હોય શકે ? એ જાણવા માટે પાછળના સમા ધાનગ્રંથનો વિચાર કરવો જોઈએ. એ સમાધાનગ્રંથની રજુઆત પરથી શંકાગ્રંથની કલ્પના કરી શકાય છે.
પદાર્થોની દૃષ્ટિએ વિચારીએ તો, આપણા કર્મગ્રંથ વગેરેના પદાર્થોની અપેક્ષાએ સિદ્ધાન્તમુક્તાવલીના પદાર્થો એટલા કઠિન નથી. ને એ જાણીને સમજીને યાદ રાખીને એનું પુનરાવર્તન કરવાથી પણ કાંઈ એટલો લાભ ન થઈ શકે. એટલે, આ ગ્રંથમાં પ્રતિપાદ્ય દ્રવ્ય, ગુણ