________________
xiv
કવિને પાદલિપ્ત સ્નેહાદરથી વધાવ્યો. તે પછી નિર્વાણકલિકા', “સામાચારી', ‘પ્રશ્નપ્રકાશ' વગેરે ગ્રંથોની તેમણે રચના કરી. અંતે નાગાર્જુનની સાથે શત્રુંજય પર જઈને શુકુલ ધ્યાનમાં ચિત્ત એકાગ્ર કરી તેમણે દેહ તજ્યો.
પાદલિપ્તસૂરિના આ પરંપરાગત ચરિત્રમાં દેખાતાં જ વિવિધ તત્ત્વોની સેળભેળ થયેલી છે: (૧) મંત્રસિદ્ધિ પ્રાભૂતોનું જ્ઞાન, આકાશગમનનું સામર્થ્ય, શિરોવેદના મટાડવાની મંત્રશક્તિ વગેરે, (૨) સિદ્ધ નાગાર્જુનનું ગુરુત્વ, (૩) સાંકેતિક લિપિનું નિર્માણ, (૪) બુદ્ધિચતુરાઈના પ્રસંગો, (૫) ‘તરંગલોલા’ કથાની તથા કેટલીક માંત્રિક અને ધાર્મિક કૃતિઓની રચના, અને (૬) વિવિધ દેશના રાજવીઓ પર પ્રભાવ – એટલા આ ચરિત્રના મુખ્ય અંશો છે. પ્રતિષ્ઠાનના સાતવાહન રાજાનો સમય ઈસવી પહેલી શતાબ્દી લગભગનો અને માન્યખેટના રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણ (દ્વિતીય)નો સમય ઈ.સ. ૮૭૮ થી ૯૧૪ સુધીનો હોઈને પાદલિપ્ત એ બંનેના સમકાલીન ન હોઈ શકે. હવે, “અનુયોગદ્વારસૂત્ર', જિનભદ્રગણિનું વિશેષાવશ્યક ભાષ્ય', હરિભદ્રસૂરિની આવશ્યકવૃત્તિ', ઉદ્યોતનસૂરિની “કુવલયમાલા' અને શીલાંકનું “ચઉપન્નમહાપુરિસચરિય” એ સૌ “તરંગવતી’ કથાનો, કથાકાર પાદલિપ્તનો અથવા તો એ બંનેનો ઉલ્લેખ કરતા હોઈને તરંગવતીકાર પાદલિપ્ત ઈસવી સનની આરંભની શતાબ્દીઓમાં થયા હોવાનું સ્વીકારવું જોઈએ. તો, એ પણ સ્પષ્ટ છે કે મંત્રશાસ્ત્રનું મહત્ત્વ અને તેના પ્રભાવની વ્યાપકતાનો સમય લક્ષમાં લેતાં, તથા “નિર્વાણકલિકા'નાં વિષય, શૈલી અને ભાષાપ્રયોગોની લાક્ષણિકતાઓ ગણતરીમાં લેતાં, “નિર્વાણકલિકાકાર પાદલિપ્તનો સમય એટલો વહેલો મૂકવાનું શક્ય નથી. એમને રાષ્ટ્રકૂટકાલીન (નવમી શતાબ્દી લગભગ થયેલા) માનવા યોગ્ય છે. ટૂંકમાં ભિન્ન ભિન્ન સમયે થઈ ગયેલા તરંગવતીકાર અને નિર્વાણકલિકાકાર એવા બે પાદલિપ્તાચાર્ય માનવાનું અનિવાર્ય જણાય છે.
‘તરંગવતીની અસાધારણ ગુણવત્તા ‘તરંગવતી'ના સંક્ષેપ ઉપરથી આપણે મૂળ કૃતિની ગુણવત્તાનો જે ક્યાસ કાઢી શકીએ છીએ તેથી તે ઘણી ઊંચી કોટિની કલાકૃતિ હોવા વિશે, અને પાદલિપ્તની તેજસ્વી કવિપ્રતિભા વિશે કશી શંકા રહેતી નથી. પ્રાચીન