________________
૬૯
તરંગલોલા
સમું તેણે મારું પાણિગ્રહણ કર્યું. વિરહીઓની જેમ અતૃપ્ત પ્યાસવાળાં, ક્યાંય સુધી પરસ્પરને નિહાણીને અમે પરિતોષ પામ્યાં અને તે ગૃહસ્વામિની, માનવીય રતિસુખોનું કલ્યાણ પામ્યાં. ભાગીરથીમાં ક્રમે ક્રમે તે નાવમાં કરતાં, ચક્રવાક સમાં અમે માનવચક્રવાકો રમી રહ્યાં. પ્રભાતકાળ
તેટલામાં ચંદ્રરૂપી તિલકે શોભતી, જ્યોસ્નાકૃપી અત્યંત ઝીણું, શ્વેત દુકૂલ ધરતી, તારાઓના હારવાળી રાત્રી યુવતી વિદાય થઈ.
ચાર પ્રહરરૂપી તરંગો જેના શરીરને ધકેલતા હતા. તે ચંદ્રરૂપી હંસ ગગનરૂપી સરોવરમાં તરતો તરતો પૂર્વ કાંઠેથી પશ્ચિમ કાંઠે પહોંચ્યો.
જાગી જઈને પ્રભાતકાળે મુખર બનેવા હંસ, સારસ, કારંડવ, ચક્રવાક અને ટીટોડા જાણે કે મંગળપાઠ કરી રહ્યા હતા.
એટલામાં તો અંધકારનો શત્રુ, દિનચર્યાનો સાક્ષી ગગનાંગણની અગનજ્યોત અને જીવલોકનો આલોક એવો સૂર્ય ઊગ્યો. ચક્રવાક પક્ષીના શબ્દ પૂર્ણ અને તૃપ્ત મનોરથ વાળા અમે પણ ભાગીરથીના પ્રવાહના વેગે ઘણે દૂર ગયા.
એટલે પ્રિયતમે મને કહ્યું, “હે પૃથુશ્રોણિ, હવે મોઢું ધોવાનો સમય થઈ ગયો; સૂર્યનો ઉદય થતાં રતિપ્રસંગ કરવો યોગ્ય નથી ગણાતો. હે બાલા, જમણા કાંઠે જે શંખના ટુકડા જેવો શ્વેત રેતાળ પ્રદેશ છે ત્યાં આપણે જઈએ, અને સુંદરી, ત્યાં આપણે સુખે રમણ કરીએ.” ઉતરાણ : લુંટારાની ટોળીના સંકજામાં
એ પછી પ્રિયતમ અવલોકનયંત્રનો ઉપયોગ કરીને, કુશળતાથી ગતિનું નિયંત્રણ કરીને, નાવને તે તરફ દોરી. રતિવ્યાયામથી થાકેલાં અમે કશી બાધા વિના ગંગાના ધોળી રેતીવાળા પુલિન ઉપર નિઃશંકપણે ઊતર્યા.
ત્યાંનાં રમણીય અને પ્રશસ્ત સ્થળો એકબીજાને દેખાડતાં, કશા ભયનું ભાન ન હોવાથી વિશ્વસ્ત એવાં અમને એકાએક ચોરોએ જોયાં. ગંગાકાંઠેની ઝાડીમાંથી ધસી આવેલા, માથે ફટકા બાંધેલા, જમપુરુષ જેવા ક્રોધી, કઠોર અને કાળિયા ચોરોએ અમને ઘેરી લીધાં.