________________
તરંગલોલા
મારી માગણી કરી, પણ પિતાએ મને તેને દેવાની ના પાડી.
મેં દૂતી મોકલી, અને તે પછી પૂર્વજન્મના અનુરાગથી પ્રેરિત બનીને, મદનવિકારે સંતપ્ત એવી હું પણ સાંજની વેળાએ મારા પ્રિયતમને ઘરે પહોંચી. તે પછી વડીલોના ડરે અમે બંને હોડીમાં બેસી નાસી ગયાં. ગંગાના વિશાળ તટ પર અમને ચોરોએ પકડ્યાં.
૧૧૪
વ્યાધને પૂર્વભવનું સ્મરણ
આ પ્રમાણે તે રમણીએ રડતાં રડતાં પોતાનાં આગલાં સર્વ સુખદુઃખની ઘટમાળ યથાક્રમે, વિગતે એ બંદિનીઓને કહી બતાવી. રડતાં રડતાં આ પ્રમાણે તેણે પોતાનો જે વૃત્તાંત બંદિનીઓને કહ્યો તેથી મને મારો પૂર્વજન્મ સાંભરી આવ્યો અને એક ઘડી મને મૂર્છા આવી ગઈ.
ભાનમાં આવતાં મને મારા પૂર્વજન્મનાં માબાપ, પત્ની, કુળધર્મ અને ચરિત્ર યાદ આવ્યાં. સંભારાતા સ્વપ્ન જેવો તેનો વૃત્તાંત સાંભળીને મારું હૃદય વાત્સલ્ય અને કરુણાના ભાવથી કોમળ બની ગયું. હું મનમાં વિચારવા લાગ્યો :
“ગંગા નદીના આભરણરૂપ આ તે જ ચક્રવાક્યુગલ છે જેનો મેં અજાણતાં વધ કરેલો. કામભોગના રસના જાણીતા એવા મારા વડે, આ કામતૃષ્ણાવાળા અને મહામુશ્કેલીએ સંગમ પામેલા યુગલને ફરી પાછું હણવું એ યોગ્ય નથી.
તો પછી મારા જીવિતને ભોગે પણ મારા પૂર્વના પાપનો પ્રતિકાર ભલે થતો, હું તેમને જીવિતદાન દઈશ અને પછી પરલોકની ચિંતા કરીશ.’ તરુણ દંપતીને જીવિતદાન અને તેમની મુક્તિ
એ પ્રમાણે સંકલ્પ કરીને, તેમને સહાય કરવા હું કુટીરમાંથી બહાર નીકળ્યો, અને પેલા તરુણનાં બંધન ઢીલાં કર્યાં. પછી બખતર સજી, વેશ ધારણ કરી, છરી બાંધી, વસુનંદ અને તલવાર લઈને હું રાતની વેળા ગુપ્તપણે તેને તેની પત્ની સહિત પલ્લીમાંથી બહાર લઈ ગયો, અને અત્યંત ભયંકર અટવીમાંથી તેમને પાર ઉતાર્યાં.