Book Title: Tarangvati
Author(s): H C Bhayani
Publisher: Image Publication Pvt Ltd

View full book text
Previous | Next

Page 142
________________ ૧૨૫ તરંગલોલા કરાતા વિલાપરૂપ ગર્જનવાળા, રાગરૂપ મગરોથી ઘેરાયેલા વિશાલ સંસારસમૂદ્રને તમે તરી જાઓ તેવું કરજો.” એ પ્રમાણે આશિષ દઈને, નગરમાં પાછા ફરવા ઇચ્છતા ગુણવાન સાર્થવાહે અમને પગમાં પાડ્યા. સૌ સ્વજનોએ લીધેલી વિદાય - શ્રેષ્ઠીએ પણ કહ્યું, “જેઓ સાચા ધર્મનો અને તપશ્ચર્યાનો અંગીકાર કરે છે, અનેક દુઃખોથી ભરેલા કુટુંબને ત્યજી દઈને નીકળી પડે છે, પ્રેમની બેડીઓમાંથી છૂટી જાય છે, રાગદ્વેષનું શમન કરી સુખદુઃખ પ્રત્યે સમભાવ કેળવીને ક્ષમાવાન મુનિ બને છે, પત્નીરૂપી કારાવાસના બંધનમાંથી મુક્ત થઈ જાય છે, માન અને ક્રોધનો ત્યાગ કરીને જિને ઉપદેશેલા ધર્મને આચરે છે, તેમને ધન્ય છે. યથેચ્છ વિષયસુખ ભોગવવામાં અમારું ચિત્ત રાચતું હોઈને, મોહની બેડીઓમાં જકડાયેલા એવા અમે તો સંસારત્યાગ કરીને નીકળી જવાને અશક્ત છીએ.” ધર્મનું સાચું સ્વરૂપ જેને બરાબર વિદિત હતું તેવા શ્રેષ્ઠીએ તે વેળા તપ અને નિયમની વૃત્તિને તીવ્ર કરનારા આવા આવાં અનેક વચનો કહ્યાં. મારા સસરાની અને પિયરની સંબંધી સ્ત્રીઓ, જાણે કે અમે એક દેહ ત્યજીને બીજો દેહ ધારણ કરી રહ્યાં હોઈએ તેમ, શોકગ્રસ્ત હૃદયે રુદન કરવા લાગી. દુઃખી થઈને અત્યંત કરુણ વિલાપ કરતાં રડી રહેલી એવી તે સ્ત્રીઓની અશ્રુવર્ષાથી તે ઉપવનની ભોંય જાણે કે છંટાઈ ગઈ. તે પછી શ્રેષ્ઠી અને સાર્થવાહ સ્ત્રીઓ, મિત્રો, બાંધવો અને બાળબચ્ચાંને સાથે લઈને રડતાં રડતાં નગરીમાં પાછા ફર્યા. લોકોના કોલાહલ વચ્ચે, કુતૂહલથી જોનારાઓની ભીડમાં ઘેરાયેલા તે શ્રમણનાં દર્શન, પોતાની દષ્ટિ અમારી ઉપર મંડાયેલી હોઈને, શ્રેષ્ઠીએ વિષાદપૂર્ણ ચિત્ત કર્યા હતાં. બીજા બધા સંબંધીઓ પણ, અમે કરેલા છતી સમૃદ્ધિના ત્યાગથી વિસ્મિત

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146