________________
તરંગલોલા
સ્વરૂપને જેમણે જાણ્યું છે તેવાં મારા માતાપિતા, આંસુના વેગને રોકીને મને કહેવા લાગ્યા, બેટા ! યૌવનના ઉદયકાળે જ આવું સાહસ કેમ કર્યું ? તરુણવયમાં શ્રમણધર્મ પાળવો ઘણો કઠિન છે. તરુણવયને કારણે રખેને તારાથી ધર્મની કશી વિરાધના થાય. કામભોગ ભોગવીને તપ તો પછી પણ આદરી શકાય.'
૧૨૨
એટલે મેં કહ્યું, ‘ભોગોનું સુખ ક્ષણિક હોય છે, અને પરિણામ કટુ હોય છે. કુટુંબજીવન પણ અત્યંત દુ:ખમય હોય છે. મુક્તિસુખથી ચઢે એવું કોઈ સુખ નથી. જ્યાં સુધી વિષયો છોડી ન જાય, જ્યાં સુધી સંયમ પાળવાનું શરીરબળ હોય, અને જ્યાંસુધી મૃત્યુ આવીને ઉઠાવી ન જાય ત્યાં સુધીમાં અમારે તપ આચરવું એ જ ઇષ્ટ છે.'
એટલે પિતાએ આશિષ દીધી, ‘ઇંદ્રિયોરૂપી ચોરથી તારુણ્ય ઘેરાયેલું હોઈને તમે આ સંસારસાગરને નિર્વિઘ્ને તરી જજો.'
સાર્થવાહની વીનવણી
અમારા બાંધવોએ તેમને બંનેને આશ્વાસન આપીને અભિનંદન આપ્યાં. તે વેળા મારાં સાસુસસરા મારા પ્રિયતમને વીનવવા લાગ્યાં, ‘બેટા ! કોઈએ તને કાંઈ કહ્યું ? તને અહીં શાની ખોટ છે ? શું તને અમારો કોઈ વાંક દેખાયો ? જેથી મન ખાટું થઈ જતાં તે પ્રવ્રજ્યા લઈ લીધી ?
-
-
ધર્મનું ફળ સ્વર્ગ છે, સ્વર્ગમાં યથેષ્ટ ભોગ મળતા હોય છે, અને વિષયસુખનો સાર એટલે સુંદરી આ પ્રમાણે લૌકિક શ્રુતિ છે. પણ તારી પાસે તો અહીં જ અપ્સરા સમી સુંદરીઓ છે. માટે પહેલાં કામભોગ ભોગવીને પછીથી તું ધર્મ કરજે.
બેટા ! અમને બંનેને, રાજવી સુખ જેવા વૈભવને, આ બેટીને તથા આપણા સમગ્ર ધનભંડારને તું કેમ તજી દે છે ?
તું કેટલાંક વરસ કશી જ ફિકરચિંતા કર્યા વિના કામભોગ ભોગવ, તે પછી પાકટ અવસ્થામાં તું ઉગ્ર શ્રમણધર્મ આચરજે.'