________________
તરંગલોલા
૧૨૦
અને સંયમ ન કરે તો ભલે.
મરણ નિશ્ચિત હોઈને, ગમે ત્યારે ચાલ્યા જવાનું હોઈને, લોકો સંયમનો પ્રકાશ પામીને સાંસારિક ગતિથી મુક્ત થાય છે. વળી દુઃખ નિશ્ચિત હોઈને જીવન ચંચળ હોઈને, મનુષ્ય હંમેશાં ધર્માચરણમાં બુદ્ધિ રાખવી.” તત્કાળ પ્રવ્રજ્યા લેવાની તૈયારી : પરિચારકોનો વિલાપ
આ પ્રમાણે તે સુવિહિત સાધુનાં વચન સાંભળીને, આયુષ્યની ચંચળતાથી ખિન્ન બનીને, તપશ્ચર્યા આદરવા માટે ઉત્સાહી એવાં અમે બંને આનંદિત
બન્યાં.
સેવકોના હાથમાં બધાં અભૂષણ આપતાં અમે કહ્યું, “આ લો અને અમારા માતાપિતાને કહેજો કે અનેક જન્મોમાં પરિભ્રમણ કરવાથી ઉદ્વિગ્ન બનેલાં, દુઃખથી ભયભીત બનેલાં એવાં અમે બંનેએ શ્રમણજીવનનો અંગીકાર કર્યો છે. વળી તેમના પ્રત્યેના વિનયમાં અને જે કાંઈ ધૂળ કે સૂક્ષ્મ દોષ કર્યો હોય, મદમાં કે પ્રમાદમાં અમે જે કાંઈ ન કરવાનું કદી કર્યું હોય તે બધાની ક્ષમા કરજો.”
આ સાંભળીને પરિજનોએ સહસા દુઃખથી બુમરાણ કરી મૂક્યું. પરિજન સહિત નાટક કરનારીઓ દોડી આવી.
અમે જે કરવાને ઉદ્યત થયાં છીએ તે સાંભળીને તેઓ મારા પ્રિયતમના પગમાં પડીને કહેવા લાગી, “હે નાથ ! અમને અનાથ છોડી જશો નહીં.” હે ગૃહસ્વામિની ! મારા પ્રિયતમનાં પગમાં પડીને તેમણે તેમની અલકલટો પરથી ખરી પડેલા પુષ્પગુંજ વડે જાણે કે તેને પ્રસન્ન કરવા માટે બલિકર્મ કર્યું.
અનાયાસ ક્રીડાઓ અને સ્વેચ્છાપ્રાપ્ત મનમાન્યાં સુરતસુખો તને સર્વદા સુલભ છે. તારા આવાસમાં અમને જો કે કદી રતિસુખનો લાભ નથી મળતો, તો પણ અમે તને અમારાં નેત્રોથી સદાયે જોવાની ઇચ્છીએ છીએ. જે પ્રફુલ્લ કુમુદ સમો શ્વેત છે, અને કુમુદોની શોભારૂપ છે તે પૂર્ણકળા યુક્ત મંડળવાળો નિર્મળ ચંદ્ર, અસ્પૃશ્ય હોવા છતાં, કોને પ્રીતિદાયક ન લાગે ?”