________________
૧૧૭
તરંગલોલા
ઉત્પન્ન થયાં. એટલે તે લોકનાથનો આજે પણ આ રીતે મહિમા કરાય છે અને ભવનો ક્ષય કરનાર એવા તેમની આ દેવળમાં પ્રતિમા સ્થાપેલી છે.” શ્રમણનાં દર્શન : પ્રવ્રજ્યા લેવાની ઇચ્છા
એ પ્રમાણે સાંભળીને મેં ત્યાં વડને અને પ્રતિમાને વંદન કર્યા. ત્યાં બાજુમાં જ મેં ઉત્તમ ગુણોના નિધિરૂપ એક શ્રમણને જોયા.
| ચિત્તમાં પાંચેય ઇંદ્રિયો સ્થાપીને તે સ્વસ્થપણે શાંત ભાવે બેઠા હતા અને આધ્યાત્મિક ધ્યાનમાં અને સંવરમાં તેમણે ચિત્તનો એકાગ્રપણે નિરોધ કરેલો હતો.
તે નિષ્પાપ હૃદયવાળા શ્રમણ પાસે જઈને મેં તેમનાં ચરણ પકડ્યાં અને સંવેગથી હસતા મુખે, હાથ જોડીને હું બોલ્યો :
“હે મહાયશસ્વી, માન અને ક્રોધથી મુક્ત થયેલો, હિરણ્ય અને સુવર્ણથી રહિત બનેલો, પાપકર્મના આરંભથી નિવૃત્ત એવો હું તમારી શુશ્રુષા કરનારો શિષ્ય બનવા ઇચ્છું છું. હું જન્મમરણરૂપી વમળોવાળા, વધબંધન અને રોગ રૂપી મગરોથી ઘેરાયેલા સંસારરૂપી મહાસાગરને તમારી નૌકાને આધારે તરી જવા ઇચ્છું છું.”
એટલે તેણે કાન અને મનને શાતા આપતાં વચનો કહ્યાં, “શ્રમણના ગુણધર્મ જીવનના અંત સુધી જાળવવા દુષ્કર છે. સ્કંધ ઉપર કે શીશ ઉપર ભાર વહેવો સહેલો છે, પણ શીલનો સતત ભાર વહેવો દુષ્કર છે.”
એટલે મેં તેમને ફરી કહ્યું, “નિશ્ચય કરનાર પુરુષને માટે કશું પણ ધર્મના કે કામના વિષયમાં કરવાનું દુષ્કર નથી. તો એ પ્રકારનો પુરુષાર્થ કરવાની, અને આજે જ, સેંકડો ગુણોવાળી, સર્વ દુઃખોને ભૂંસી નાખનારી એવી ઉગ્ર પ્રવ્રજ્યા લેવાની મારી ઇચ્છા છે.” પ્રવ્રજ્યાગ્રહણ : શ્રમણજીવનની સાધના
એટલે તેણે મને સર્વ પ્રાણીઓને હિતકર, જરા અને મરણથી છોડાવનાર, પાંચ મહાવ્રત વગેરે ગુણોથી યુક્ત એવા ધર્મમાં સ્થાપિત કર્યો.
પ્રત્યાખ્યાન, વિનય, સ્થાન અને ગમન સંબંધી પ્રતિક્રમણ અને ભાગ્ય