________________
તરંગલોલા
જંગલની બહાર ગામની પાસેની ધરતી સુધી તેમને પહોંચાડીને હું સંસારથી વિરક્ત બનીને મનમાં વિચારવા લાગ્યો :
૧૧૫
“આ અપરાધ કરીને ચોરપલ્લીમાં પાછું જવું અને જમદૂત જેવા સેનાપતિનું મોઢું જોવું એ મારે માટે યોગ્ય નથી. ઇષ્ટ સુખના મૃત્યુ સમા લોભથી મેં જે પુષ્કળ પાપ કર્યાં છે, તેમાંથી છોડાવનાર મોક્ષમાર્ગ અનુસરવો એ જ હવે મારે માટે યોગ્ય છે. સુખ મેળવવાના પ્રયાસમાં જે રાગમૂઢ માણસ બીજાને દુઃખ દે છે તે મૂર્ખતાથી પોતાના માટે જ ઘણું દુ:ખ સરજે છે.
પત્નીરૂપી કારાગારમાંથી છૂટીને પ્રેમબંધનથી જેઓ મુક્ત થાય છે, અને પોતાના રાગદ્વેષનું શમન કરીને જેઓ સુખદુઃખ પ્રત્યે સમભાવ રાખીને વિહરે છે, તેમને ધન્ય છે.” એ પ્રમાણે વિચારીને હું ઉત્તર દિશા તરફ ચાલ્યો. પુરિમતાલ ઉદ્યાન
મારું ચિત્ત કામવૃત્તિથી વિમુખ બનીને તપશ્ચર્યાના સારતત્ત્વને પામી ગયું હતું. મનુષ્યના લોહીથી ખરડાયેલી તલવાર અને મળથી મલિન ઢાલનો મેં ત્યાગ કર્યો.
એ પછી હું તાડાવૃક્ષોના ગીચ ઝૂંડથી શોભતા, દેવલોકના સાર સમા, અને અલકાપુરીનું અનુકરણ કરતા પુરિમતાલ ઉદ્યાનમાં આવી પહોંચ્યો.
તેની જમણી બાજુનો પ્રદેશ કમળસરોવરથી શોભતો હતો.
તે ઉદ્યાન ઉપવનોના બધા ગુણોને અતિક્રમી જતું હતું.
તેની શોભા નંદનવન સમી હતી. ત્યાં છયે ઋતુનાં પુષ્પો ખીલેલાં હતાં. ફળોથી તે સમૃદ્ધ હતું, ત્યાં ચિત્રસભા પણ હતી. કામીજનોને તે આનંદદાયક હતું. સજળ જળધર જેવું તે ગંભીર હતું.
ત્યાં મદમત્ત ભ્રમરો અને મધુકરીઓના ગુંજારવ અને કોયલોના મધુર ટહુકાર થતા હતા. પૃથ્વીના બધાં ઉદ્યાનોના ગુણો ત્યાં એકત્રિત થયા હતા.
તેમાં જો હોય તો માત્ર એક જ દોષ હતો : લોકોની કુશળવાર્તા સંબંધે તે ઉદ્યાન ભમરા-ભમરી અને કોયલના શબ્દ દ્વારા ટોળટપ્પા કર્યા કરતું હતું.