________________
તરંગલોલા
८४
રાજમાર્ગ પરના બ્રાહ્મણોની આશિષ તથા અન્ય લોકોની વધામણી અને હાથ જોડીને કરાતું અભિવાદન સ્વીકારવામાં મારો સ્વામી પહોંચી શકતો ન હતો. તે બ્રાહ્મણો, શ્રમણો અને વડીલોને હાથ જોડી મસ્તક નમાવીને વંદન કરતો હતો, મિત્રોને ભેટતો હતો, તો બાકીના સૌ લોકોની સાથે સંભાષણ કરતો હતો.
કેટલાક લોકો બોલતા હતા : ‘શ્રેષ્ઠીના ચિત્રપટ્ટમાં જે ચક્રવાક વ્યાધથી વીંધાઈને મૃત્યુ પામેલો ચીતર્યો હતો તે આ પોતે જ છે ; અને જે ચક્રવાકી ચક્રવાકની પાછળ મૃત્યુ ભેટતી ચીતરી હતી તે જ આ નગરશેઠની પુત્રી તરીકે અવતરી અને પેલાની પત્ની બની. ચિત્રમાં જે મરણને ભેટેલું છે તે પરસ્પરને અનુરૂપ યુગલને ફરી પાછું દૈવે કેવું સરસ જોડી આપ્યું !”
કેટલાકે તેને ગ્લાધ્ય કહ્યો, કેટલાકે સુંદર, કેટલાકે વિનીત, કેટલાકે શૂરો, કેટલાકે અભિજાત, કેટલાકે અનેક વિધાનો જાણકાર તો કેટલાકે સાચો વિદ્યાવંત – એ પ્રમાણે રાજમાર્ગ પરના અનેક લોકોની પ્રશંસા પામતો મારો પ્રિયતમ મારી સાથે પોતાના દેવવિમાન સમા પ્રાસાદમાં આવી પહોંચ્યો.
આનંદિત પરિજનો ઊઠીને તેની સામે આવ્યા અને તૈયાર રાખેલી પૂજા સામગ્રીથી તેની પૂજા કરી ; ઊંબાડિયા વડે ઓળઘોળ કરવામાં આવ્યું અને આશીર્વાદ ઉચ્ચારાયા. દહીં, લાજા અને પવિત્ર પુષ્પો વડે દેવતાઓની મોટા પાયા પર પૂજા કરવામાં આવી હતી. જ્યાં વંદનમાળાઓ લટકાવવામાં આવી છે અને દ્વાર પર કમળવાળા ઝળહળતા કળશ મૂક્યા છે તેવા, ફરતા કોટે શોભતા તે મહાલયમાં, પૂરા થયેલા મનોરથને કારણે પ્રસન્ન એવા મારા પ્રિયતમે પ્રવેશ કર્યો અને અમે બંને ઊતર્યા.
પછી, કરેલા અપરાધને લીધે લજ્જા પ્રકટ કરતી એવી મેં પણ લોકોની ભારે ભીડવાળા શ્વસુરગૃહના વિશાળ અને સુંદર પ્રાંગણમાં પ્રવેશ કર્યો. સ્વાગત અને પુનર્મિલન
ત્યાં ઘરના બધા માણસોની સાથે આવીને શ્રેષ્ઠી, સાર્થવાહની સાથે, ઊંચા આસન પર બેઠેલા હતા. અમને જોઈ રહેલા, સાક્ષાત દેવ સમા એ વડીલોના ચરણકમળમાં અમે હાંફળાફાંફળાં નમી પડ્યાં. તેમણે અમને આલિંગન દીધું,