________________
તરંગલોલા
૧૦૬
હોવાથી, તેમનાથી ફરી ખરડાતો નથી.
આ ભવને છોડતાં અંતિમ વેળાએ તેનું જે પ્રદેશોના સંચયવાળું સંસ્થાન હોય તે સંસ્થાન તેનું સિદ્ધાવસ્થામાં હોય છે. તે આકાશમાં, સિદ્ધોથી ભરેલા સિદ્ધાલયમાં, અન્ય અસંખ્ય સિદ્ધોની સાથે અવિરુદ્ધ ભાવે વસે છે.”
આ પ્રમાણે તે શ્રમણે ઉપદેશ આપ્યો, એટલે, હે ગૃહિણી, હર્ષથી રોમાંચિત થયેલાં અમે મસ્તક ઉપર અંજલિ રચીને તેમને કહ્યું, ‘તમારું અનુશાસન અમે ઇચ્છીએ છીએ.'
પછી તે સાધુને વિનયપૂર્વક વંદન કરીને મારા પ્રિયતમે કહ્યું, ‘તમે ભરજુવાનીમાં નિઃસંગ બન્યા તેથી તમે લીધેલી દીક્ષા ધન્ય છે. કૃપા કરીને મને કહો તમે કઈ રીતે શ્રમણ્ય લીધું ? હે ભગવાન, મારા પર અનુકંપા કરીને કહો, મને ઘણું જ કુતૂહલ છે.'
એટલે તે પ્રશસ્ય મન વાળા અને જિનવચનોમાં વિશારદ શ્રમણે મધુર, સંગત અને મિત વચનોમાં, નિર્વિકારપણે અને મધ્યસ્થભાવે આ પ્રમાણે કહ્યું: શ્રમણનો વૃત્તાંત
ચંપાની પશ્ચિમે આવેલા એક જનપદની બાજુનો અટવીપ્રદેશ અનેક મૃગ, મહિષ, દીપડા અને વનગજોથી સભર હતો. તેમાં જંગલમાં ઊડે, જંગલી પશુઓના કાળરૂપ અને નિંદ્ય કર્મ કરનારા વ્યાધોની એક વસાહત હતી.
તેમની ઝૂંપડીના આંગણાના પ્રદેશ, ત્યાં આગળ સૂકવવા મૂકેલાં લોહીનીંગળતાં માંસ, ચામડા અને ચરબીથી છવાયેલા હોઈને સંધ્યાનો દેખાવ ધરી રહ્યા હતા.
વ્યાધપત્નીઓ રાતી કામળીનાં ઓઢણાં ઓઢીને લોહીનીંગળતા કે સૂકા માંસને ખોળામાં ભરીને જતી દીસતી હતી.
ત્યાં વ્યાધપત્નીઓ મોરપિચ્છથી શણગારેલું ઓઢણું ઓઢીને હાથીના દંકૂશળના સાંબેલા વડે ખાંડવાનું કામ કરી રહી હતી.