________________
૧૦૯
તરંગલોલા
તેનો વધ કરવામાં કશો વાંધો નથી. અકસ્માત ચક્રવાકનો વધ
એ પ્રમાણે સંકલ્પ કરીને મેં વ્યાકુળના રક્ષણ ખાતર તે હાથી, પ્રત્યે જીવલેણ બાણ છોડ્યું.
તે વેળા એકાએક કોઈક કુંકુમવરણો ચક્રવાક, કાળના પૂર્વનિયોગે આકાશમાર્ગે ઊડ્યો અને એ બાણથી વીંધાયો.
વેદનાથી તેની પાંખો ઢળી પડી, અને તે પશ્ચિમ સમુદ્રમાં સંધ્યા સમયે કેસરી રંગે ઢળી પડતા કુંકમવરણા સૂર્ય સમો જળસપાટી પર પડ્યો.
શરપ્રહારે જેનો પ્રાણ જતો રહ્યો છે તે ચક્રવાકને જ અનુસરતી, શોકની પીડાથી આર્ત અને વ્યાકુળ ચક્રવાકી નીચે પડેલા ચક્રવાકની પાસે આવી લાગી.
અરેરે ! ધિક્કાર છે ! મેં આ જોડીનો સંહાર કર્યો – એ પ્રમાણે હું દુઃખી થઈ ગયો અને હાથો ધુણાવતો તે દશ્ય જોઈ રહ્યો. પેલો હાથી ચાલ્યો જતાં, મેં દયા અને અનુકંપાથી પ્રેરાઈ ને તરત જ તે પક્ષીને ત્યાં કાંઠા પર અગ્નિદાહ દીધો. ચક્રીવાકીનું અને વ્યાધનું અનુમરણ - પેલી ચક્રવાકીએ પોતાના સહચર પ્રત્યેના અનુરાગથી પ્રેરાઈને ચક્કર લગાવી તે ચિતાના અગ્નિમાં ઝંપલાવ્યું અને ઘડીકમાં તો તે બળી મરી. તેને આવી ગતિ પામેલી જોઈને મારું દુઃખ વધુ ઘનિષ્ઠ થયું : અરેરે ! મેં આ ભલા ચક્રવાકમિથુનનો કાં વિનાશ કર્યો ?
હું વિચારવા લાગ્યો, “અરેરે ! અનેક પૂર્વપુરુષોએ જેનું રક્ષણ કર્યું છે તે અમારા કુળધર્મ, પરંપરા અને વંશની કીર્તિનો અને વચનનો મેં દુષ્ટતાથી કેમ વિનાશ કર્યો? નિર્લજ્જ બનીને જે પુરુષે પોતાને હાથે જ પોતાના કુળધર્મને નષ્ટ કર્યો હોય, તેની લોકો જુગુપ્સા કરે છે. હવે મારે જીવીને શું કરવું છે?' એ પ્રમાણે જાણે કે કૃતાંત મારી બુદ્ધિને પ્રેરતો હોય તેવા વિચાર મને આવ્યા.
એટલે ચક્રવાકની ચિતા માટે જે પુષ્કળ ઇંધણ આણીને મેં સળગાવેલ