________________
૧૦૭
તરંગલોલા
વ્યાધ તરીકેનો પૂર્વભવ
ત્યાં હું આની પહેલાંના ભાવમાં પ્રાણીઓનો ઘાત કરનારો, હાથીના શિકારમાં કુશળ, માંસાહારી વ્યાધ તરીકે જન્મ્યો હતો. દરરોજ ધનુર્વિદ્યાનો અભ્યાસ કરીને તેમાં નિપુણ બનેલા મેં પ્રબળ પ્રહાર કરવાની શક્તિ પ્રાપ્ત કરી. બાણાવળી તરીકે પ્રખ્યાત બનેલો હું “અમોઘકાંડ' નામે જાણીતો હતો.
મારો પિતા સિંહ પણ દઢપ્રહારી અને અચૂક લક્ષ્યવાળો હોઈને પોતાના કામથી વિખ્યાત હતો. મારા પિતાને ઘણી વહાલી, વન્યવેશ ધારણ કરતી અટવીશ્રી નામે વ્યાધબાલા મારી માતા હતી. જ્યારે હું પુખ્ત વયનો થયો અને એક જ બાણ છોડીને હાથીને પાડવા લાગ્યો, ત્યારે મને પિતાએ કહ્યું, આપણો કુળધર્મ શો છે તે તું સાંભળ : વ્યાધનો કુળધર્મ
વ્યાધોના કોશ અને ઘરનું રક્ષણ કરનાર શ્વાનને, અને બીજા પાડવાને સમર્થ એવા જૂથપતિ હાથીને તારે કદી મારવો નહીં.
બચ્ચાંની સારસંભાળ કરતી, પુત્રસ્નેહથી પાંગળી અને વ્યાધથી ન ડરતી એવી હાથણીને પણ તારે મારવી નહીં.
એકલું છોડી દીધું ન હોય તેવું નાનું, ભોળું, દૂધમુખે હાથીનું બચ્ચું પણ તારે મારવું નહીં – બચ્ચું આગળ જતાં મોટું થશે એવી ગણતરી રાખવી.
કામવૃત્તિથી ઘેરાયેલી, બચ્ચાની જનની થનારી હાથણી જ્યારે ક્રીડારત હોય ત્યારે તેને હાથીથી વિખૂટી ન પાડવી.
આ કુલધર્મનું તું પાલન કરજે. કુળધર્મને જે નષ્ટ કરે, તેના કુળની અવગતિ થાય. બેટા, બીજનો વિનાશ ન કરતો અને કુળધર્મની સારી રીતે રક્ષા કરતો રહીને તું તારો ધંધો કરજે અને આ જ વાત તારાં સંતાનોને પણ કહેજે.'
વ્યાધજીવન
પિતાના એ ઉપદેશ પ્રમાણે હું બરાબર આચરણ કરતો, વ્યાધનો ધંધો કરતો, વન્ય પ્રાણીઓથી ભરેલા એ જંગલમાં શિકારથી ગુજારો કરવા લાગ્યો.