________________
તરંગલોલા
પુષ્ટિ અને તુષ્ટિ ધરતાં વાહનમાં બેઠાં. વર્ધમાન જિનની એ નિસહિયા (અલ્પાવધિ વાસસ્થાન)નાં દર્શન અને વંદન કરીને હર્ષ અને સંવેગ ધરતી હું મારી જાતને કૃતાર્થ માનવા લાગી.
એ પ્રમાણે તે વેળા મારા પ્રિયતમના સંગમાં જાણે કે પીયરનાં સુખશાતા માણતાં માણતાં અમે એકાકીહસ્તીગ્રામ અને કાલીગ્રામ પસાર કર્યા. રાતવાસો રહેવા અને શાખાંજનીનગરીમાં પ્રવેશ કર્યો.
એની વસતી ગીચ હતી. ભવનો વાદળોને રોકી રાખે તેવાં હતાં. ત્યાં અમે ભાગોળે રહેતા એક મિત્રના ઘરે ઉતારો કર્યો. તે કૈલાસના શિખર સમું ઊંચું, જાણે કે નગરીનો માનદંડ હોય તેવું હતું. ત્યાં સ્નાન, ભોજન, ઉત્તમ શય્યા વગેરે સગવડો વડે અમારો આદર કરવામાં આવ્યો. બધા માણસોને પણ જમાડવામાં આવ્યા અને વાહનના બળદોની પણ સારસંભાળ લેવાઈ. ત્યાં સુખે રાતવાસો કરી વળતે દિવસે સૂર્યોદય થતાં અમે હાથપગ અને મોં ધોઈને, ઘરના લોકોની વિદાય લઈને આગળ ચાલ્યાં.
જાતજાતનાં પંખીગણોના કલરવથી, ભ્રમરવંદના ગુંજારવથી અને વડીલો વિશેની પરસ્પર કહેવાતી વાતોથી અમને પંથ કેમ કપાયો તેની ખબર પણ ન પડી.
કુભાષહસ્તી ગામો, નગરો, ઉદ્યાનો, કીર્તિસ્મારકો, ચૈત્યવૃક્ષો અને રસ્તાઓનાં નામ અમને કહેતો જતો હતો અને અમે તે સૌ જોતાં જતાં હતાં. કૌશાંબીના પાદરમાં પ્રવેશ
ક્રમે કરીને અમે લીલાં પર્ણોથી લીલાછમ દેખાતા, પથિકોના વિસામારૂપ, રાષ્ટ્રીય માર્ગના કેતુ સમા, ધરતીના પુષ્ટ પયોધર સમા, કૌશાંબીની સીમના મુકુટ સમા, પુષ્કળ ઘાટી અને પ્રચંડ શાખાઓમાં વિસ્તરેલા અને પંખીવૃંદથી છવાયેલા એવા કુભાષવડ પાસે આવી પહોંચ્યાં.
ત્યાં રહેલા, નિર્જળ શ્વેત જલધરના ચંદરવાની શોભાનો ઉપહાસ કરતા, ઉત્તમ પ્રકારનાં તાજાં સુગંધી માંગલિક પુષ્પોથી શોભતા આંગણા વાળા, લટકતી વંદનમાળા અને મોટા સાથિયા વચ્ચે મૂકેલા નવા પૂર્ણ કલશવાળા, રમણીય તથા સ્વજનો અને પરિજનોથી ઉભરાતા – એવા પ્રથમ ઘરમાં