________________
તરંગલોલા
લઈ, પરાક્રમ કરીને જેમણે નામ રળ્યું છે અને જેમનો પ્રતાપ જાણીતો છે તેવા હથિયારધારી પુરુષો અમારા રક્ષક તરીકે રહેલા હતા.
૯૧
ઋદ્ધિ, સમૃદ્ધિ અને ગુણો વડે અનેક લોકોની ચાહના મેળવતાં અમે અનેક બજારથી સમૃદ્ધ વીથીઓવાળા પ્રણાશક ગામમાંથી પ્રયાણ કર્યું : નીરાંતે અને અમારી અનુકૂળતા પ્રમાણે રાજમાર્ગ ૫૨ થઈને જતાં અમને હજારો લોકો દૂર દૂર સુધી જોઈ રહ્યા હતા. મિત્રના ઘરના માણસો સ્નેહને લીધે અમને વળાવવા આવ્યા હતા. એ રીતે બીજાઓને માટે દુર્લભ એવા દબદબાથી અમે ગામની બહાર નીકળ્યાં.
આર્યપુત્રના કહેવાથી સારથિએ વાહન ઊભું રાખ્યું, પ્રિયતમ પણ તેમાં ચઢી બેઠો અને વાહન પાછું ઊપડ્યું. સુગંધી, મન હરી લેતાં ઊંચી ઊંચી ડાંગરનાં ખેતરો અને ભથવારીઓ મારા જોવામાં આવ્યાં. ચોતરાઓ અને પરબો જોતાં જોતાં અમે જતાં હતાં.
વાસાલિય ગામમાં આગમન
કેટલાંક ગામો અતિક્રમીને અમે ધીરે ધીરે વાસાલિય ગામ પહોંચ્યાં. ત્યાં અમે એક રમણીય, પ્રંચડ વટવૃક્ષ જોયું : વિસ્તૃત શાખાઓ અને પર્ણઘટાવાળું, મેરુપર્વતના શિખર સમું, પક્ષીગણોનું રહેઠાણ અને પ્રવાસીઓ માટે વિસ્મયકારક, તેની પડોશમાં રહેનારાએ અમને આ પ્રમાણે વાત કરીઃ
‘કહેવાય છે કે નિગ્રંથ ધર્મતીર્થના ઉપદેશક, શીલ અને સંવરથી સજ્જ વર્ધમાનજિન તેમની છદ્મસ્થ અવસ્થામાં અહીં વાસો રહ્યા હતા. મહાવીર અહીં વર્ષાકાળમાં વાસો રહેલા તેથી અહીં આ ‘વાસાલિય’ નામનું ગામ વસ્યું. દેવ, મનુષ્ય, યક્ષ, રાક્ષસ, ગાંધર્વ અને વિદ્યાધરોએ જેને વંદન કર્યાં છે તેવું આ વટવૃક્ષ પણ જિનવરની ભક્તિને લીધે પૂજનીય બન્યું છે.'
તેની આ વાત સાંભળીને અમે બન્ને વાહનમાંથી ઊતર્યાં. અત્યંત સહર્ષ અને ઉત્સુક નેત્રે, રોમાંચ અનુભવતાં, તે વડને પ્રત્યક્ષ જિનવર સમો ગણીને ઉત્તમ ભક્તિપૂર્વક મસ્તક નમાવીને અમે તેના મૂળ પાસે દંડવત પ્રણામ કર્યા.
હાથ જોડીને હું બોલી, ‘હે તરુવર, તું ધન્ય છે, કૃતાર્થ છે કે તારી છાયામાં મહાવીર જિન રહ્યા હતા.’ વડની પૂજા અને ત્રણ વાર પ્રદક્ષિણા કરીને અમે