________________
તરંગલોલા
પ્રત્યુપકાર કર્યા વિના કઈ રીતે ઉચ્છ્વાસ લઈ શકતા હશે ? કરેલા ઉપકારનો જ્યાં સુધી પોતે બમણો બદલો ન વાળી શકે ત્યાં સુધી સજ્જન મંદ૨૫ર્વતના જેટલો ભારે બોજો પોતાના મસ્તક પર વહે છે. જેમણે તમને જીવિતદાન આપીને અમને પણ જીવિતદાન આપ્યું તે માણસને હું ન્યાલ કરી દઈશ.' એવાં અનેક વચનો કહીને, હે ગૃહસ્વામિની, શ્રેષ્ઠી અને સાર્થવાહે અમારાં મન મનાવી લીધાં.
૬
સ્વજનો, પરિજનો તેમ જ ઇતરજનો અમારા પ્રત્યાગમનથી ઘણા રાજી થયા. નગરીના લોકો તે જ વેળા અમારું કુશળ પૂછવા આવ્યા. કુશળ પૂછવા આવનારાઓને તેમ જ મંગળવાદકો અને મંગળપાઠકોને સોનું તથા સોનાનાં આભૂષણની યથેચ્છ ભેટ આપવામાં આવી. કુલ્માષહસ્તીને પ્રસન્નતાપૂર્વક એક લાખ સોનામહોર અને મારા સૌ સ્વજનોના તરફથી એક એક આભૂષણ આપવામાં આવ્યું.
વિવાહોત્સવ
કેટલાક દિવસ પછી મારા કુલીન કુટુંબના વૈભવને અનુરૂપ અને નગરમાં અપૂર્વ એવો અમારો સુંદર વિવાહોત્સવ ઊજવાયો. અમારો તે અનુપમ વિવાહમહોત્સવ લોકોને માટે અસાધારણ દર્શનીય અને સૌની વાતનો વિષય બની ગયો. અમારાં બંને કુલીન કુટુંબો નિરંતર પ્રીતિ અને સ્નેહથી બંધાયેલાં અને પરસ્પરનાં સુખદુઃખના સમભાગી બનીને એક જ કુટુંબ જેવાં બની ગયાં.
મારા પ્રિયતમે પાંચ અણુવ્રત તથા ગુણવ્રત લીધાં અને અમૃતરૂપ જિનવચનોના અગાધ જળમાં તે મગ્ન બન્યો. મારા બધા મનોરથ પૂરા થયા હોવાથી મેં પૂર્વ કરેલા, સર્વ મનોરથ પૂરનારા એક સો આઠ આંબેલના તપનું ઊજમણું કર્યું.
પછી મેં દાસીને પૂછ્યું, ‘પ્રિયતમની સાથે જ્યારે હું ચાલી ગઈ તે વેળા અમારા ઘરમાં અને તારા સંબંધમાં શું શું બન્યું હતું ?'
સારસિકાએ આપેલો ઘરનો વૃત્તાંત
એટલે સારસિકા બોલી,‘“તું મારા ઘરેણાં લઈ આવ” – એ પ્રમાણે તેં મને મોકલી એટલે હું આપણા ઘરે ગઈ. ઘરના લોકો કામકાજમાં વ્યસ્ત