________________
તરંગલોલા
પ્રિયતમના સંગ વિનાનો અલ્પ સમય પણ મને ઘણો લાંબો લાગતો; બધો સમય અમે નિબિડ પ્રેમક્રીડામાં નિરંતર રચ્યાંપચ્યાં રહેતાં. સ્નાન, ભોજન, શણગાર, શયન, આસન વગેરે હૃદયાદ્લાદક શારીરિક ભોગોમાં અમે રમમાણ રહી પછી નટક જોતાં. સુગંધી અંગરાગ લગાવી, પુષ્પમાળાઓ પહેરી પરસ્પરમાં આસક્ત એવાં અમે તદ્દન નિશ્ચિંત મને સુખમાં દિવસો વિતાવતાં હતાં.
૧૦૦
ઋતુચક્ર
એવા પ્રકારના સુખમાં, યથેષ્ટ વિષયસુખના સાગરમાં સહેલ કરતાં, અમે નિર્મળ ગ્રહ, ચંદ્ર અને નક્ષત્રોથી શોભતી, અનેક ગુણયુક્ત એવી શરદઋતુ પસાર કરી.
તે પછી જેમાં ઠંડીનો ઉપદ્રવ હોય છે, વધુ ને વધુ લાંબી થતી રાત્રીઓ હોય છે, સૂરજ જલદી નાસી જતો હોય છે અને ખૂબ પવન ફૂંકાતો રહે છે તેવી શિશિર ઋતુ આવી પહોંચી. ચંદ્ર, ચંદનલેપ, મણિ અને મોતીના હાર તથા કંકણ તેમ જ ક્ષોમનાં પટકૂળ અને રેશમી વસ્ત્રો ત્યારે અરુચિકર બની ગયાં.
શિશિર વીતતાં, વિષયસુખ માટે પ્રતિકૂળ, પતિના સંગમાં રહેલી સ્ત્રીઓને હિમરૂપી બળ અને પરાક્રમે ડરાવતી હેમંત ઋતુ આવી લાગી.
તે પછી જેમાં આમ્રવૃક્ષોને મંજરી બેસે છે, જેમાં શીતનો નાશ અને લોકોનો સુખવાસ છે તેવો કામપ્રવૃત્તિનો માસ વસંતમાસ આવ્યો. એ સમયે, હે ગૃહસ્વામિની, યુદ્ધમાં ભાગ ન લેવા છતાં જેમને હણવામાં આવ્યા છે (ખોડવામાં આવ્યા છે), કશો અપરાધ નહીં છતાં જેમને બાંધવામાં આવ્યા છે, તેવા દોરડાંના હીંચકા ઘણા લોકોએ લટકાવ્યા. તે વેળા સૌ લોકો દુઃખીઓ પર અનુગ્રહ કરવા તત્પર હોવા છતાં પણ, વણઅપરાધે બંધનમાં રાખેલા હીંડોળા પર, પ્રિયજનના સંગમાં પરિતોષપૂર્વક ઝૂલતા હતા. ઉપવનવિહાર
અદ્ભુત પ્રેક્ષણકવાળા પ્રમદવનમાં તથા મદન, બાણ અને કોશામ્રવૃક્ષોવાળા નંદનવનમાં દેવ સમા અમે અનુપમ ક્રીડાઓમાં રત રહેતાં હતાં.