________________
તરંગલોલા
८०
કુલ્માષહસ્તીએ મોકલેલા માણસે સંપડાવેલા વાહનમાં બેસીને અમે ત્યાં ભાગોળે રહેતા એક મિત્રના ઘરમાં સુખેથી પ્રવેશ કર્યો. ત્યાં સ્નાન, ભોજન, અંગલેપન આદિ બરાબર શુશ્રુષા પામી, નિદ્રા લઈને અમે સુખપૂર્વક રાત ગાળી. સવારે હાથપગ અને મોં ધોઈ, દેવતાને વંદન કરી, શ્રમ, ભય અને ભૂખથી મુક્ત બનેલાં એવાં અમે ફરી શયનમાં આરામ કર્યો.
તે વેળા સારું મુહૂર્ત જોઈને, ‘કુલ્માષહસ્તી સાથે અમે આવીએ છીએ' એ પ્રમાણે પ્રિયતમે અમારા ઘરે કૌશાંબી પત્ર પાઠવ્યા. અમ્બંગ, વસ્ત્રાભૂષણ અન્ય વિવિધ શારીરિક સુખસગવડ અને ખાનપાનથી આનંદ કરતાં અમે ત્યાં રહ્યાં. હે ગૃહસ્વામિની, એ પ્રમાણે કેટલાક દિવસ ત્યાં નિવાસ કરી, થાક ઉતારી, પત્રનો પ્રત્યુત્તર આવતાં પ્રસન્નતા અનુભવતાં અમો કૌશાંબી જવાને ઉત્સુક બન્યાં.
અમારે માટે વાટખરચી પૂરતું સોનું અને વિવિધ વસ્ત્રો લાવવામાં આવ્યાં. તે મિત્રના ઘરની સ્ત્રીઓના નિવારવા છતાંયે મેં અમારા ભોજન પેટે તેમનાં છોકરાઓના હાથમાં એક હજાર કાર્ષાપણ આપ્યાં. સ્નેહનો અઘટિત પ્રત્યુત્તર વાળવાના ભયે પ્રિયતમને, તે આપતાં, ‘ઉપકારના પ્રત્યુપકાર પેટે આપણે આ તો ઘણું અલ્પ આપીએ છીએ' એવી લાગણીથી લજ્જા આવતી હતી.
પ્રણાશકમાંથી વિદાય
સૌ સ્ત્રીઓને ભેટીને મેં તેમની વિદાય લીધી. મિત્રના ઘરના સૌ પુરુષોની પણ પ્રિયતમે અને મેં વિદાય લીધી. વિદાય લેતી વેળા મિત્રના ઘરના લોકોને મેં યાદગીરી લેખે યથાયોગ્ય વિવિધ પ્રકારનાં કીમતી વસ્ત્રો ભેટ આપ્યાં.
પછી ત્યાંથી અમે રસ્તાનાં જાતજાતનાં જોખમોની ગણતરી કરીને, હે ગૃહસ્વામિની, બધાં ઔષધો સહિત ભાતું સાથે લઈ લીધું. મારો પ્રિયતમ ઉત્તમ લક્ષણવાળા, જાતવાન અને વેગીલા અશ્વ પર સવાર થઈને મારા વાહનની પાછળ પાછળ આવતો હતો. સાર્થવાહ અને શ્રેષ્ઠીએ મોકલેલા, કુલ્માષહસ્તી સહિતના કાફલાથી તે વીંટળાયેલો હતો. અનેક યુદ્ધોમાં ભાગ