________________
તરંગલોલા
૮૮
કાલે તારું મન કડવું કર્યું તે માટે મને ક્ષમા કર. મારા જમાઈની શોધ કરો. તે ડર ન રાખે અને જલદી પાછો આવે. તમારો પુત્ર પરદેશમાં અને પરધરે રહીને શું કરશે ?'
વળી તમારા પૂર્વજન્મનો વૃત્તાંત દાસીએ જે પ્રમાણે જણાવ્યો હતો તે બધો શ્રેષ્ઠીએ ક્રમશઃ સાર્થવાહને કહ્યો.
તારી વત્સલ માતા તારા વિયોગમાં શોકાવેગે રુદન કરતી આસપાસનાને પણ રડાવી રહી.
તેટલામાં તો સાર્થવાહના પુત્રને અને શ્રેષ્ઠીની પુત્રીને તેના પૂર્વજન્મનું સ્મરણ થયું છે એવી કર્ણોપકર્ણ પ્રસરેલી વાતથી આખી વસનગરી ભરાઈ ગઈ.
તે પછી શ્રેષ્ઠી અને સાર્થવાહે તમને ખોળવા માટે સેંકડો દેશ, નગર, ખાણ વગેરે સ્થળોએ ચોતરફ માણસો મોકલ્યા. મને પણ ગઈ કાલે તમારી શોધમાં પ્રણાશક મોકલ્યો આજે હું ત્યાં આવી પહોંચ્યો, પણ ત્યાં તમારા કશા સમાચાર મળ્યા નહીં.
મેં વિચાર કર્યો કે પૈસે ઘસાઈ ગયેલા, અત્યંત પીડિત પતિત, અપરાધી અને કપટવિદ્યા વાળા લોકો સીમાવર્તી ગામમાં આશરો લઈને રહેતા હોય છે. આથી ત્યાં સર્વત્ર પૂછપરછ કરીને તપાસને માટે હું અહીં આવ્યો. મારા પર દેવોની કૃપા થઈ જેથી કરીને મારો શ્રમ સફળ થયો. સાર્થવાહ અને શ્રેષ્ઠીએ પોતાને હાથે લખેલા આ પત્રો તારે માટે આપ્યા છે.' એ પ્રમાણે કહીને તેણે પ્રણામપૂર્વક તે પત્રો ધર્યા. વડીલોનો સંદેશ : ભોજન વ્યવસ્થા
એટલે આર્યપુત્રે પ્રણામ કરીને તે પત્રો લીધા. તે ઉઘાડીને તેમના સંદેશ અને આદેશ તેણે ધીરે ધીરે, કશાંક રહસ્યવચન હોય તો તેમને ગુપ્ત રાખવા, મનમાં વાંચ્યા. તે પછી તેમનું અર્થગ્રહણ કરીને આર્યપુત્રે મને સંભળાવવા તે પત્રો મોટેથી વાંચ્યા.
બંને પત્રમાં લખેલો, રોષવચન વગરનો, પ્રસન્નતા અને વિશ્વાસ સૂચવતો, ‘પાછા આવી જાઓ” એમ શપથ સાથે કહેતો સંદેશો મેં સાંભળ્યો.