________________
તરંગલોલા
ગઈ. પણ હવે ભયમુક્ત થઈ હોવાથી, અને બચી જવાનો માર્ગ મોકળો થયો હોવાથી મને પગ અને અન્ય ગાત્રોની પીડાનું, થાકનું અને ભૂખતરસનું ભાન થયું.
આથી મેં પ્રિયતમને કહ્યું, “આપણે હવે ભૂખ શમે તેવા પથ્ય અને નિર્દોષ આહારની ક્યાંક તપાસ કરીએ.”
એટલે પ્રિયતમે મને કહ્યું, “ચોરોએ આપણું સર્વસ્વ આંચકી લીધું છે, તો પણ અજાણ્યા અને પારકા ઘરમાં આપણે શી રીતે પ્રવેશ કરી શકીએ ?
કુલનપણાના અતિશય અભિમાનીને માટે, તે સંકટગ્રસ્ત હોય ત્યારે પણ કરુણભાવે “મને કાંઈક આપો” એમ કહેતાં, લોકોની પાસે જવું ઘણું કઠિન હોય છે. | હે માનિની, લજાવનારી, માનવિનાશક, અપમાનજનક, હલકા પાડનારી યાચના હું કેમ કરીને કરું ?
ધન ગુમાવ્યાથી અસહાય બનેલો, એકલો પડી ગયેલો, અને અત્યંત કષ્ટ ભોગવતો હોવા છતાં પણ સજ્જન માગણ બનવાનું પસંદ નથી કરતો.
યાચના કરવા ધૃષ્ટ બની દિન વચન બોલવાને સજ્જ થઈ, અસભ્યતાના ડરથી મુક્ત બની “મને આપો' એવું બોલવા મારી જીભ અસમર્થ છે.
એક અણમોલ માનના ભંગને બાદ કરતાં, બીજું એવું કશું નથી કે તારે માટે ન કરું.
તો હે વિલાસિની, તું ઘડીક આ મહોલ્લાને નાકે શોભી રહેલા દેવળમાં વિસામો લે, તેટલામાં હું ભોજનનો કશોક પ્રબંધ કરું. સીતાદેવીના મંદિરમાં આશ્રય
અમે એ ગામના સીતાદેવીના મંદિરમાં જઈ પહોંચ્યાં. તે ચાર સ્તંભ અને ચાર દ્વારવાળું હતું. તે ઉત્સવદિનની ઊજવણી જોવા એકઠા થતા ખેડૂત જુવાનોનું વાતચીત કરવાનું સ્થાન હતું, પ્રવાસીઓનું આશ્રયસ્થાન હતું, ગૃહસ્થોનું મિલનસ્થાન હતું અને ગ્રામીણ જુવાનડાઓનું સંકેતસ્થાન હતું.