________________
૭૧
તરંગલોલા
વધુ થતો હું કેમેય જોઈ નહીં શકું.
મારો દેહ પડશે તો તેથી મને ઘણો લાભ થશે, પણ ચોરો તારો ઘાત કરે તો જીવતી રહીને પણ મને કશો જ લાભ નથી. અરેરે મુગ્ધ, દીર્ધકાળે લબ્ધ, ભાગીરથીના પથિક, ઘડીક માત્રના મિલનને અંતે, હે નાથ, સ્વપ્નમાં જોયો અને અદૃશ્ય થતો હોય તેમ તું હવે અલભ્ય બની જઈશ.
પરલોકમાં આપણો ફરી સમાગમ થાય કે ન થાય, પણ જ્યાં સુધી હું જીવું છું, ત્યાં સુધી તો તું મારું રક્ષણ કરજે જ. એકબીજાને ન છોડતાં આપણું જે થવાનું હશે તે થશે; નાસી જનારો પણ કર્મવિપાકના પ્રહારોથી બચી નથી જ શકતો.’
એ પ્રમાણે અત્યંત વિલાપ કરતી અને પ્રિયતમને સંઘર્ષમાં ઊતરવાથી વારતી હું મસ્તક પર હાથ જોડીને રડતી ચોરોને કહેવા લાગી, ‘તમારી ઇચ્છા મુજબ મારા શરીર પરથી બધી જ મૂલ્યવાન ચીજો તમે લઈ લો. પણ હું વીનવું છું કે આ ગભરુને તમે હણશો નહીં.'
લુંટારાનાં બંદી બન્યાં
ત્યાં તો પાંખો કાપી નાખીને જેમના આકાશગમનનો અંત આણ્યો તેવાં પંખી સમાં દુ:ખીદુ:ખી અને નાસી છૂટવાને અશક્ત એવાં અમને ચોરોએ પકડ્યાં.
બીજા કેટલાક ચોરોએ આ પહેલાં નાવનો અને તેમાંના ઘરેણાના દાબડાનો કબજો લીધો; તો ચીસો પાડીને રડતી મને બીજા કેટલાંકે ધકેલીને પાડી દીધી. બીજા કેટલાકે મારા કહ્યા પ્રમાણે સામનો ન કરતા મારા પ્રિયતમને પકડ્યો જાણે કે મંત્રબળનો પ્રતિકાર ન કરી શકતો વિષભર્યો નાગ.
-
એ પ્રમાણે, હે ગૃહસ્વામિની, અમને બંનેને ભાગીરથીના પુલિન પર ચોરોએ પકડ્યાં અને અમારો રત્નનો દાબડો પણ લઈ લીધો. હે ગૃહસ્વામિની, હાથમાં કંકણ સિવાયનાં મારાં બધાં ઘરેણાં તેઓએ લઈ લીધાં.
મારો પ્રિયતમ મને ફૂલ ચૂંટી લીધેલી લતાના જેવી શોભાહીન થયેલી જોઈને ડબકડબક આંસુ સારતો મૂંગું રુદન કરવા લાગ્યો. લૂંટાયેલા ભંડાર