________________
૮૩
તરંગલોલા
આથમણી દિશા તરફ જાઓ. હું પણ પાછો ફરું છું. માલિકના હુકમથી મેં પલ્લીમાં તમને બાંધ્યાં અને માર્યા તે માટે મને ક્ષમા કરશો.”
એટલે ઉપકારી ચોર પ્રત્યે મિત્રભાવ પ્રગટ કરતાં, દૃષ્ટિથી જાણે કે તેને પીતો હોય તેમ, મારા પ્રિયતમે, ગદ્ગદ સ્વરે તેને થોડાંક મધુર વચન આ પ્રમાણે કહ્યાં : “તમે તમારા માલિકના આજ્ઞાકારી છો ; પરંતુ તે વીર, અત્રાણ, અશરણ, બંધનમાં રહેલાં, જીવવાની આશા તજી દીધેલાં, તદન નિરાશ બનેલાં એવાં અમને તમે આ રીતે જીવતદાન દઈને અસાધારણ ઉપકાર કર્યો છે.
હું વત્સ પુરીના ધનદેવ સાર્થવાહનો પુત્ર છું. મારું નામ પધદેવ છે. તારા કહેવાથી જે કોઈ ત્યાં આવીને મને મળશે તેને તારા માટે હું પુષ્કળ ધન આપીશ. તું મને આ પ્રમાણે વચન આપ તો જ હું જઉં. વળી કોઈ કારણે તમારું ત્યાં આવવાનું થાય, તો તમને શપથ છે કે તમારાં દર્શન ન થાય એવું ન બને.
જીવલોકના સર્વસારરૂપ જીવતદાન દેનારનું ઋણ ચૂકવવું આ સમગ્ર જીવલોકમાં શક્ય નથી. અને બીજું, અમારા પ્રત્યેના તમારા આદર અને પ્રેમને કારણે, અમારા પર અનુગ્રહ કરીને તમારે સ્થાન-પરિગ્રહનો સંયમ પાળવો પડશે.”
આ પ્રમાણે કહેવામાં આવતાં તે બોલ્યો, “હું ખરેખર ધન્ય અને અનુગૃહીત થયો છું. તમે મારા પર પૂરા પ્રસન્ન છો તેમાં જ તમે મારું બધું કર્યું છે. એ પ્રમાણે બોલીને, “હવે તમે જાઓ' એમ કહીને તે ઉત્તર તરફ વળી ગયો, અને અમે પણ પશ્ચિમ તરફ ચાલવા લાગ્યાં. વસતી તરફ પ્રયાણ
પગ ફાટી જતાં, ત્રણમાંથી વહેતા લોહી સાથે આડવાટે અમે મહા મુશીબતે આગળ વધી રહ્યાં હતાં. બહુ ઝડપથી ચાલવાને લીધે હું ભૂખ અને તરસથી થાકીને લોથ થઈ ગઈ. શ્રમથી અને બીકથી મારું ગળું અને હોઠ સુકાઈ ગયાં અને હું લથડવા લાગી. ચાલવાને અશક્ત બનેલી એવી મને મારા પ્રિયતમે પીઠ પર ઊંચકી લેવા ચાહ્યું, પરંતુ તેથી બચવા હું પરાણે પરાણે પગે ચાલવા લાગી.