________________
તરંગલોલા
૭૪
મારા પ્રિયતમના રૂપને કારણે, વિશાળ અને શ્વેત આંખોવાળી ચોરસ્ત્રીઓના પ્રાણ માત્ર તેમની આંખોમાં આવીને વસ્યા.
તરુણીઓ વિલાસયુક્ત અંગવિક્ષેપ રૂપી અનેક કામવિકાર દર્શાવતી, પસાર થઈ રહેલા પ્રિયતમ પ્રત્યે કાટાક્ષપાત કરતી હતી.
તેમને કામવિકારથી ત્યાં હસી રહેલી જોઈને તે વેળા મારા ચિત્તમાં શોક અને ઈર્ષાયુક્ત રોષગ્નિ સળગી ઊઠ્યો.
બંદી બનાવેલા મારા તે પ્રિયતમને મારી સાથે ત્યાં પ્રવેશ કરતો જોતા વંત કેટલીક બંદિનીઓ તેને પુત્ર સમો ગણીને શોક કરતી રોવા લાગી. “દેવ સમો સુંદર અને નયનને અમૃત સમો તું અમારો હૃદયચોર છે. તું મુક્ત થજે.' એ પ્રમાણે કેટલીક બંદિનીઓ મારા પ્રિયતમને ઉદેશીને કહેવા લાગી.
તો બીજી કેટલીક બંદિનીઓ રડતી, ધા નાખતી કહેવા લાગી, “હે પુત્ર, તારી પત્ની સહિત તું મુક્ત થજે.”
મારા પ્રિયતમનાં વિસ્મયકારક રૂપ અને ગુણથી પ્રગટેલી કામવૃત્તિથી વ્યાકુળ બનેલી કોઈક સ્ત્રી પોતાની કટિમેખલાના રણકારથી જાણે કે તેને નિમંત્રણ આપી રહી.
વળી મને ત્યાં જોઈને કેટલાક છેલબટાઉ જુવાનિયાઓ આનંદની કિલકારીઓ કરતાં કહેવા લાગ્યા, “આ બાઈનાં શાં રૂપરંગ અને રસભર્યું લાવણ્ય છે !'
તો કેટલાક મને વખાણતાં એકબીજાને બતાવતા હતા, “બચ્ચાઓ, આ અપ્સરાસમી બાઈને તો જુઓ ! સ્તનયુગલ રૂપી પુષ્પગુચ્છ અને હાથ રૂપી પલ્લવવાળી અને પ્રિયરૂપી મધુકર વડે ભોગવાયેલી આ સ્ત્રી રૂપી અશોકલતાને જુઓ.
સ્તનયુગલ રૂપી ચક્રવાક, કટિમેખલારૂપી હંસશ્રેણી, નયનરૂપી મત્સ્ય અને વિસ્તીર્ણ કટિરૂપી પુલિન વાળી આ યુવતી રૂપી નદીને જુઓ.
અત્યંત રુદન કરવાથી લાલચોળ થયેલું તેનું સહજસુંદર વદન, સંધ્યાની લાલ ઝાંયથી સંગિત શરદપૂર્ણિમાના ચંદ્ર સમું શોભી રહ્યું છે.