________________
તરંગલોલા
- તેમાં પ્રવેશ કરતાં અમે પ્રાણીઓના બલિદાનથી તુષ્ટ થતી દેવીનું સ્થાનક જોયું. દેવળ સુધી જવા માટે પગથિયાં બનાવેલાં હતાં, અને તેના પર અનેક ધજાપતાકા ફરકતી હતી.
કાત્યાયની દેવીના સ્થાનકને નમસ્કાર કરી તેની પ્રદક્ષિણા કરીને અમે ત્યાં રહેલા તથા બહારથી પાછા ફરેલા ચોરોને જોયા.
સૌને પોતાનું કામ પતાવીને અક્ષત શરીરે લાભ મેળવીને પાછા ફરેલા જોઈને ત્યાં રહેલા ચોરોએ તેમની સાથે વાત કરી અને પલ્લીમાં લવાયેલાં અને લતાના બંધને બાંધેલાં એવાં અમને બંનેને તે ચોરો વિસ્મિત હૃદયે અને અનિમિષ નેત્રે જોઈ રહ્યા.
તો કેટલાક કહેવા લાગ્યા, “નરનારીના રૂપના ઉત્તમ સાર વડે આ જોડું શોભે છે. લાગે છે કે વિધાતાએ સહેજ પણ માનસિક થાક અનુભવ્યા વિના આમને ઘડ્યાં છે. ચંદ્રથી જેમ રાત્રી શોભે અને રાત્રીથી શરદચંદ્ર શોભે તેમ આ તરુણ અને તરુણી એકબીજાથી શોભે છે.”
તે પલ્લીમાં એક તરફ લોકો આનંદપ્રમોદ કરતા હતા, તો બીજી તરફ બાંધીને બંદી કરેલા લોકોનો કરુણ સ્વર ઊઠતો હતો. એ રીતે ત્યાં દેવલોક અને જમલોક ઉભયનાં દર્શન થતાં હતાં. પલ્લીવાસીઓના વિવિધ પ્રતિભાવ
અનન્ય રૂપ, લાવણ્ય અને યૌવનવાળું, દેવતાયુગલ જેવું તરણતરુણીનું યુગલ સુભટો પકડી લાવ્યા છે એવું સાંભળીને કૌતુકથી બાળકો, બુદ્દાઓ અને સ્ત્રીઓ સહિત લોકસમુદાયથી પલ્લીનો માર્ગ ભરાવા લાગ્યો.
એ પ્રમાણે અમને કરુણ દશામાં લઈ જવાતાં જોઈને સ્ત્રીઓ શોક કરવા લાગી અને બંદિનીઓ અમને પોતાનાં સંતાન જેવાં ગણીને રડવા લાગી.
એક સ્થળે, તરુણોનાં મન અને નયન ચોરનારી ચોરતરુણી મારા પ્રિયતમને જોઈને હાસ્યથી પુલકિત થતા શરીરે કહેવા લાગી : “આકાશમાંથી રોહિણી સહિત નીચે ઊતરેલા ચંદ્ર જેવા આ યુવાન બંદીને તેની પત્નીની સાથોસાથ જ રાખજો.”