________________
તરંગલોલા
સમા અને કમળ વિનાના કમળસરોવર સમા શ્રીહીન મારા પ્રિયતમને જોઈને હું પણ દુ:ખે રડી રહી.
૭૨
મોટે અવાજે રડતી મને નિષ્ઠુર ચોરોએ ધમકાવી, ‘દાસી, ગોકીરો કર મા, નહિતર આ છોકરાને અમે મારી નાખશું.'
એવું કહ્યું એટલે હું પ્રિયતમનું પ્રાણરક્ષણ કરવા તેને ભેટીને રહી અને ડૂસકાં ભરતી, ધ્રૂજતા હૃદયે મૂંગું રુદન કરવા લાગી. આંસુથી મારો અધરોષ્ઠ ચીકટ બની ગયો ; નયનરૂપી મેઘો વડે હું મારા પયોધરરૂપી ડુંગરોને નવડાવી રહી.
હે ગૃહસ્વામિની, ચોરોની ટોળકીનો સરદાર ત્યાં લાવી મૂકેલો દાબડો જોઈને રાજી રાજી થઈ ગયો અને પોતાના સુભટોને કહેવા લાગ્યો, ‘એક આખો મહેલ લૂંટ્યો હોત તો પણ આટલો માલ ન મળત. ઘણા દિવસે નિરાંતે જુગાર ખેલીશું અને આપણી મનમાનીતીઓના કોડ પૂરીશું.’
એ પ્રમાણે મસલત કરીને એ ચોરો નદીકાંઠેથી ઊતરીને, અમારા બન્ને ઉપર ચોકી રાખતા, દક્ષિણ તરફ ચાલતા થયા.
ચોરપલ્લી
વિકસેલી સૂર્યવલ્લીથી અમને બંનેને બાંધીને તેઓ જલદ વિષ કરતાં પણ ચડી જાય તેવી, ચોરોને સુખદાયક એવી પલ્લીમાં લઈ ગયા.
તે પહાડના કોતરમાં આવેલી હતી. રમણીય અને દુર્ગમ હતી. તેની આસપાસનો પ્રદેશ નિર્જળ હતો, પણ અંદર જળભંડારો હતા અને શત્રુસેના માટે તે અગમ્ય હતી.
તેના દ્વારપ્રદેશમાંથી સતત અનેક લોકો આવજા કરતા હતા અને ત્યાં તલવાર, શક્તિ, ઢાલ, બાણ, કનક, ભાલા વગેરે વિવિધ આયુધધારી ચોરોની ચોકી હતી.
ત્યાં મલ્લધટી, પટહ, ડુંડુક્ક, મુકુંદ, શંખ અને પિરિલીના નાદો ગૂંજતા હતા. મોટેથી થતાં ગાનતાન, હસાહસ, બૂમબરાડાનો ચોતરફ કોલાહલ હતો.