________________
તરંગલોલા
બધા અવસ્થાંતોમાં સુંદર અને સશ્રીક દીસતા તેના રૂપને લીધે તે કમળરહિત હાથવાળી ભગવતી લક્ષ્મી સમી શોભે છે.
૭૫
તેના કેશ મસૃણ છે, નેત્ર કાળાં છે, દાંત નિર્મળ છે, સ્તન ગોળાકાર છે, સાથળ પુષ્ટ છે અને ચરણ સપ્રમાણ છે.'
કેટલાક ચોરો કહેતા હતા, ‘આપણે આને જોઈને ધન્ય થઈ ગયા : શણગાર સજવાની તૈયારી કરતી દેવાંગના રંભા આવી જ હશે.
આ ૨મણી સ્તંભને સ્પર્શ કરે તો તેને પણ ચલિત કરી દે, ઋષિઓના ચિત્તને પણ ચંચળ બનાવી દે : ઈંદ્ર તેની એક હજાર આંખોથી પણ આને જોતાં ન ધરાય.’
તો વળી પરાઈ સ્ત્રી પ્રત્યે પાપભીરુ એવા કેટલાક, વિનયપૂર્વક શરીર સંકોચીને જતા હતા. તેઓ ‘આ બિચારી દીન છે અને તેના ધણીની સાથે છે' એવા ભાવથી મારા પ્રત્યે જોઈને દૂર સરી જતા હતા.
-
આ તરુણને મારી નાખીને આપણો સેનાપતિ આ અસાધારણ રૂપાળી યુવતીને પોતાની ઘરવાળી બનાવશે.’ એ પ્રમાણે ત્યાં પકડીને લાવવામાં આવેલાં તેમ જ બીજાં પુરુષો અને સ્ત્રીઓ બોલતાં હતાં, અને મારા પ્રિયતમને મારી નાખશે એવા તેમના સંકેતથી હું અત્યંત ભયભીત બની જતી હતી.
તરુણો મારી પ્રશંસા કરતા હતા અને વધુ તો તરુણીઓ મારા પ્રિયતમની પ્રશંસા કરી રહી હતી, જ્યારે બાકીના લોકો બંને પ્રત્યે અનુરાગવાળા કે તટસ્થ
હતા.
ચોરસેનાપતિ
એ પ્રમાણે શત્રુ, મિત્ર અને તટસ્થ એવા પલ્લીજનો વડે જોવાતાં જોવાતાં અમને ઊંચી કાંટાની વાડવાળા ચોરસેનાપતિના ઘરમાં લઈ જવામાં આવ્યાં. ત્યાં અમને પ્રવેશ કરાવીને, તે ચોરોની વસાહતના સેનાપતિના અડ્ડા સમા, અતિ ઊંચા બેઠકખંડમાં અમને લઈ જવામાં આવ્યાં. હે ગૃહસ્વામિની, ત્યાં અમે ચોરસમૂહના નેતા અને સુભટોના ચૂડામણિ એ શૂરવીરને કૂંપળોના ઢગના બનેલા આસન પર બેઠેલો જોયો.