________________
તરંગલોલા
મધુરતાથી સર્વ ઇતરજન. કચિત્ ભોજાઈઓથી, તો કવચિત્ સહિયરોથી વીંટળાઈને હું મારા ઘરમંદિરમાં મંદ૨૫ર્વત ૫૨ લક્ષ્મીની જેમ રહેતી હતી.
૧૧
પૌષધશાળામાં હું વારંવાર સામયિક કરતી અને જિનવચનોની ભાવના માટે ગણિનીઓની સેવાશુશ્રુષા કરતી. માતાપિતા, ભાઈઓ અને બાંધવોને હૃદયથી વધુ ને વધુ પ્રિય થતી હું એ રીતે સુખસાગરમાં નિમગ્ન બનીને સમય ને વિતાવતી હતી.
માલણનું આગમન
હવે કોઈ એક વાર પિતાજી નાહી, વસ્ત્રાભૂષણ સજી, જમીને બેઠકખંડમાં આરામથી બેઠા હતા. ખંડમાં કૃષ્ણાગુરુના ધૂપના ગોટા પ્રસર્યા હતા, અને રંગરંગનાં કુસુમો વડે સજ્જા કરેલી હતી. લક્ષ્મી સાથે વિષ્ણુ વાર્તાલાપ કરતા હોય, તે પ્રમાણે તેઓ પડખે રહેલી મારી માતા સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. હું પણ નાહી, અરહંતોને વાંદી, પૂજ્યોની પૂજા કરીને બા-બાપુજીને વંદન કરવા ગઈ. મેં પિતાજીને અને માતાને વિનયપૂર્વક પાયલગણ કર્યાં, એટલે તેઓએ ‘જીવતી રહે' કહીને મને તેમની પાસે બેસાડી.
તે સમયે ત્યાં વાને શ્યામ પણ શ્વેત વસ્ત્રમાં સજ્જ થયેલી અને એમ ચંદ્રકિરણોથી વિભૂષિત શરદ-૨જની સમી શોભતી, દ૨૨ોજ ફૂલપાતરી લાવતી માલણ ઋતુનાં ફૂલોથી ભરેલ તાજાં પર્ણોનો સંપુટ લઈ આવી અને તેણે અમારા બેઠકખંડમાં પ્રવેશ કર્યો.
શરદ-વર્ણન
હાથ જોડી, દેહયષ્ટિને લાલિત્યથી નમાવી, ભ્રમર જેવા મધુર સ્વરે તે પિતાજીને સવિનય કહેવા લાગી : ‘માનસ સરોવરથી આવેલા અને હવે અહીં વસીને પરિતોષ પામેલા આ હંસો શરદના આગમનની સહર્ષ ઘોષણા કરી રહ્યા છે.
આશ્રય લેતા હંસો, શ્વેત પદ્મો અને યમુનાતટના અટ્ટહાસ સમાં કાશફૂલો વડે શરદઋતુનું પ્રાકટ્ય એકાએક થઈ રહ્યું છે.
ગળીના વનને નીલ રંગે, અસનવનને પીત રંગે, તો કાશ અને સપ્તપર્ણને શ્વેત રંગે રંગતો શદ આવી પહોંચ્યો છે.