________________
૨૩
તરંગલોલા
પૂર્વભવનો વૃત્તાંત
ચક્રવાક-મિથુન ગંગાનદી
મધ્યદેશના મિત્ર સમો અંગ નામનો દેશ હતો : ધાન્યથી ભરપૂર, તથા શત્રુઓના આક્રમણ, ચોર અને દુષ્કાળથી મુક્ત.
તેની રાજધાની હતી ચંપા – રમણીય વનરાજિ અને ઉદ્યાનોથી મંડિત, બધી ઉત્તમ પુરીઓના ગુણોથી સમૃદ્ધ અને એમ સાચ્ચે જ એકમાત્ર પુરી.
જેના કાંઠા સ્નિગ્ધ હતા અને બંનેય તટ પુષ્કળ ગામો, નગરો અને જનપદોથી ભરચક હતા તેવી, પંખીઓનાં ઝૂડથી વ્યાપ્ત, અંગદેશની રમણીય નદી ગંગા ત્યાં થઈને વહેતી હતી.
કાદંબ પક્ષીરૂપી કુંડળ અને હંસરૂપી મેખલા ધરતી, ચક્રવાકરૂપી સ્તનયુગલવાળી, સાગરપ્રિયા ગંગા ફણનું વસ્ત્રપરિધાન કરી ગમન કરતી હતી.
તેના કાંઠા પરનાં વૃક્ષો મત્ત વનગજોના દંતૂશળના પ્રહારવાળાં હતાં. તેના તરપ્રદેશોમાં જંગલી પાડા, વાઘ, દીપડા અને તરસની મોટી વસતી
હતી.
તે નદી પર, પાકવા માંડેલા કલમી ચોખા જેવી રતાશ ધરતા ચક્રવાક્યુગલોનાં જૂથ શોભી રહ્યાં હતાં. તેમની પોતપોતાની જોડીમાંના સાથીદાર સદા એકમેક પ્રત્યે અનુરક્ત રહેતાં. ત્યાં ધૃતરાષ્ટ્ર, સારસ, આડિ, કાદંબ, હંસ, ટીટોડા અને તેવાં બીજાં પક્ષીઓનાં ટોળાં નિર્ભયપણે અને સ્વચ્છંદે ક્રીડા કરતાં હતાં. ચક્રવાકી
હે સખી, ત્યાં હું આગલા ભવમાં એક ચક્રવાકી હતી. કપૂરના ચૂર્ણથી મિશ્રિત કપીલા જેવો આછો રતૂમડો મારા શરીરનો વાન હતો. એ પક્ષીભવમાં તે અવસ્થાને યોગ્ય પ્રચુર સુખસન્માનમાં હું આસક્ત હોઈને પછીના મનુષ્યભવનું મને સ્મરણ થતું હતું. સંસારમાં સર્વ યોનિઓના જીવોને, જો