________________
૫૩
તરંગલોલા
જ છું તે તમે બરાબર જાણી ગયા.'
એટલે દ્વાર પર નિર્ગમ અને પ્રવેશની દેખભાળ રાખતા સિદ્ધરક્ષ દ્વારપાલે કહ્યું, ‘સેંકડો માણસોમાંથી કોઈ પણ મારી જાણ બહાર નથી હોતું.' તેનાં વખાણ કરતાં મેં કહ્યું, ‘સાર્થવાહનું ઘર ભાગ્યશાળી છે કે ત્યાં તમારા જેવા દ્વારને સંભાળે છે. આર્ય, તમે મારા પર પણ એટલી તો કૃપા કરજો કે સાર્થવાહનો જે પુત્ર છે તે આર્યપુત્રનાં મને દર્શન થાય.'
એટલે તેણે કહ્યું, ‘હું આ દ્વારની સંભાળ રાખવાનું કામ ઘડીક જેને સોંપી શકું તેવો પ્રતિહાર મને મળી જાય, તો.હું પોતે જ તને આર્યપુત્રનાં દર્શન કરાવું.' પછી તેણે એક દાસીને કામ સોંપ્યું, ‘આને ઉપરના માળ પર આર્યપુત્રની પાસે જલદી લઈ જા.'
એટલે તે મને તરત જ રત્નકાંચન જડેલી ભોંયવાળા ઉપરના માળે લઈ ગઈ. એ રાજમાર્ગના લોચન સમો દીસતો હતો. તેની વચ્ચેના રત્નમય ગવાક્ષમાં સુખાસન પર સામે બેઠેલા સાર્થવાહપુત્રને દેખાડીને તે દાસી તરત જ ચાલી ગઈ. હું પણ અંદરથી ગભરાતી, પરંતુ એ ચક્રવાક-પ્રકરણનો આધાર લઈ, વિશ્વસ્ત બનીને તેની પાસે પહોંચી ગઈ.
પદ્મદેવનાં દર્શન
એક મૂર્ખ બ્રાહ્મણબટુક તેની પાસે બેઠો હતો. સાર્થવાહના ખોળામાં ચિત્રફલક હતું. તે ધનુષ્ય વિનાના કામદેવ જેવો ને અત્યંત સુંદર લાવણ્યયુક્ત દીસતો હતો. આંખમાંથી ઝરતાં આંસુથી ચિત્રફલકની આકૃતિને તે કોઈ અણઘડ ચિત્રકારની જેમ દોરી દોરીને ભૂંસી રહ્યો હતો. તારો સમાગમ પામવાના મનોરથથી ભરેલા હ્રદયે, હસીખુશી વિનાનો, તે પોતાની દેહદશાનો શોક કરતો બેઠો હતો.
તે વેળા વિનયથી ગાત્રો નમાવીને, મસ્તક પર હાથ જોડીને, તેની પાસે જઈ ને મેં કહ્યું, ‘આર્યપુત્ર ચિરંજીવી હો.' એટલે તુવેર જેવા રાતા રંગના વસ્ત્રમાં સજ્જ, વાંકું દંડકાઇ ધરાવતો, કર્કશ વાણી અને તુચ્છ ઉદરવાળો, ઉદ્ધત વદનવાળો, ગર્વિષ્ઠ, અતિશય મૂર્ખ, માંકડા જેવો અનાડી, મૂર્ખના જેવા ચાળાચસકા કરતો, ગોવિષ્ઠા જેવો નિંદ્ય, બહાર નીકળેલા દૂધીનાં બિયાં જેવા