________________
તરંગલોલા
આભૂષણ લઈને આવતી તે કદાચ જો પકડાઈ જશે તો આપણો ભેદ ફૂટી જશે અને નાસી જવાનું ઊંધું વળશે એ નક્કી.
એટલે તે પકડાઈ જાય તે પહેલાં આ ઘડીએ જ ભાગવું પડશે. સમયનો વ્યય કર્યા વિના પગલાં ભરનારનું કામ નિર્વિને પાર પડે છે.
વળી મેં મણિ, મુક્તા અને રત્નથી જડેલાં આભૂષણ લઈ લીધાં છે. મૂલ્યવાન અન્ય સામગ્રી, મોદક વગેરે પણ લીધાં છે. તો ચાલ, આપણે ભાગીએ. તેણે આ પ્રમાણે કહ્યું એટલે તેની ઇચ્છાને વશ વર્તીને, તે ગૃહસ્વામિની, હું સારસિકાની વાટ જોયા વિના, સત્વર રવાના થઈ.
આખી રાત લોકોની અવરજવરને કારણે નગરીનાં દ્વાર ખુલ્લા જોઈને અમે બહારનીસરી ગયાં, અને ત્યાંથી યમુનાને કાંઠે પહોંચ્યાં.
ત્યાં દોરડાથી ખીલે બાંધી રાખેલી નાવ અમે જોઈ. તે હળવી, સરસ ગતિ કરી શકે તેવી, પહોળી, છિદ્ર વગરના તળિયાવાળી હતી.
તેને બંધનમાંથી છોડીને અમે બંને જણ સત્વરે તેમાં ચડી બેઠાં. મારા પ્રિયતમે રત્નકરંડકને અંદર મૂક્યો અને હલેસાં હાથમાં લીધાં. નાગોને અને યમુના નદીને પ્રણામ કરીને અમે સમુદ્ર તરફ વહી જતા યમુનાપ્રવાહમાં જવા ઊપડ્યાં. અપશુકન
તે જ વેળાએ અમારી જમણી બાજુ, બધાં ચોપગાં પ્રાણીઓના બંદિજન સમાં, નિશાચર શિયાળો શંખનાદ જેવો નાદ કરવા લાગ્યાં.
તે સાંભળીને પ્રિયતમે નાવને થોભાવીને મને કહ્યું, “સુંદરી, ઘડીક આપણે આ શુકનનું માન રાખવું પડશે. ડાબી બાજુ દોડી જતાં શિયાળ કુશળ કરે, જમણી બાજુ જતાં ઘાત કરે, પાછળ જતાં પ્રવાસથી પાછા વાળે, આગળ જતાં વધ કે બંધન કરાવે. પણ આમાં એક લાભ એ છે કે મારી પ્રાણહાનિ નહીં થાય. આ ગુણને લીધે અપશુકનના દોષની માત્રા ઓછી થાય છે.” એ પ્રમાણે કહેતાં પ્રિયતમે આપત્તિથી સાશંક બનીને પછી નાવને વેગે પ્રવાહમાં વહેતી કરી.