________________
તરંગલોલા
૫૮
હસીખુશીનું પાત્ર એવો આ પ્રત્યુત્તર-પત્ર તારે માટે આપ્યો છે.”
એટલે, હે ગૃહસ્વામિની, મુદ્રાથી અંકિત કરેલા, મારા પ્રિયતમના દર્શન સમા, તે પત્રને મેં લીધો અને નિઃશ્વાસ સાથે હું તેને ભેટી.
ચેટીની પાસેથી સાંભળેલા વચનોથી ઉફુલ્લ ચંપકલતાની જેમ હાસ્યપુલકિત બનીને મેં પત્રગત અર્થને પામવાની આતુરતાથી તે પત્ર ની મુદ્રા તોડીને, સત્વર, પ્રિયતમનાં વચનોના નિધાન સમો તે ઉખેળ્યો.
તેમાં તેનું તે જ આખું પ્રકરણ, એક માત્ર મારા મરણને પાદ કરતાં, જેવું મેં અનુભવ્યું હતું તેવું જ લખાણમાં અક્ષરબદ્ધ કરેલું હતું. જે કાંઈ મેં અનુભવ્યું હતું, અને જે કાંઈ તેણે કર્યું હતું તે બધું તેમાં વ્યક્ત કરેલું હતું. તેનું મૃત્યુ પહેલાં થયું અને મારું અનુસરણ તેણે ન જાણ્યું એ પણ બરાબર હતું.
ભૂર્જપત્રમાં લખેલો, પ્રિયતમ પાસેથી આવેલો તે લેખ ભગ્નહૃદયે હું વાંચવા લાગી. જ્યારે જ્યારે અમારી જે જે અવસ્થા હતી તે તે બરાબર બન્યા પ્રમાણે, એંધાણીઓ સાથે, પ્રિયતમે શબ્દોમાં વર્ણવી હતી. શબ્દરૂપે રહેલા તે મન્મથને, કામદેવના બંધને બદ્ધ વચનોવાળા આ અર્થ દ્વારા હું નિહાળી રહી : પઘદેવનો પ્રેમપત્ર
આ પત્ર મારી હૃદયવાસિની તરંગવતી નામની સુંદરીને આપવાનો છે: મદનના શિકારનો ભોગ બનેલી, અનંગના ધનુષ્યરૂપ, અત્યંત શોચનીય શરીર ધરતી, સુવિકસિત કમળ સમા વદનવાળી તે બાળાનું આરોગ્ય અને કુશળતા હોજો.
હે પ્રિયે, કામદેવની કૃપાથી મારા અને તારા વચ્ચેના પ્રેમનું ચિંતન થતું રહેતું હોવાથી અહીં સહેજ પણ અસુખ નથી. છતાં પણ, તરંગવતી, અનંગશરપ્રહારે પીડિત બનેલો હું તારી અપ્રાપ્તિને કારણે મારાં શિથિલ બનેલાં કોમળ અંગો કેમેય ધારણ કરી શકતો નથી.
તું જે જાણે છે તે બધા કુશળસમાચારનું નિવેદન કરીને, હે કમળદળ સમાં વિશાળ અને સુંદર નેત્રવાળી, વધુમાં આ પ્રમાણે મારી વિનંતી છે :