________________
તરંગલોલા
તો, સારસિકા, કામે જેનું ચારિત્ર્ય નષ્ટ કર્યું છે તેવી મને અસતીને, તેના દર્શનની પ્યાસીને તું જલદી પ્રિયતમને આવાસે લઇ જા.'
૬૧
એટલે ચેટીએ મને કહ્યું, ‘તારી યશસ્વી કુલપરંપરાનું તારે જતન કરવું ઘટે છે ; તું આવું દુઃસાહસ ન કર, અને તેની ઉપહાસપાત્ર ન બન. તે તારે સ્વાધીન છે ; તેણે તને જીવતદાન દીધું જ છે. તો પછી તું અપયશ થાય તેવું કરવાનું માંડી વાળ. વડીલને પ્રસન્ન કરીને તું તેને મેળવી શકીશ.'
પરંતુ સ્ત્રીસહજ અવિચારિતા અને અવિવેકને લીધે તથા કામાવેગથી પ્રેરાઈને હું ફરીથી ચેટી પ્રત્યે બોલી, ‘જગતમાં જે સાહસિક ઉત્સાહથી ચોક્કસ સંકલ્પ કરીને, નિંદાના દોષને અવગણીને નિર્ભય બને છે તે જ અમાપ લક્ષ્મી તત્કાળ પ્રાપ્ત કરતો હોય છે. જેની કઠિનતાને કારણે પ્રવૃત્તિ રૂંધાઈ જાય તેવું ભગીરથ કામ પણ શરૂ કરી દઈએ એટલે હળવું બની જતું હોય છે.
પ્રિયતમના દર્શન માટે આતુર બનેલી મને જો તું તેની પાસે નહીં લઈ જાય, તો કામબાણથી હણાયેલી હું હમણાં જ તારી સમક્ષ મૃત્યુ પામીશ. માટે તું વિલંબ ન કર, મને પ્રિયતમની સમીપ લઈ જા. જો તું મને મરેલી જોવા ઇચ્છતી ન હો તો આ ન કરવાનું કામ પણ કર.'
આ પ્રમાણે મેં કહ્યું, એટલે તે ચેટીએ ઘણી આનાકાનીથી, મારા પ્રાણરક્ષણને ખાતર પ્રિયતમના આવાસે જવાનું સ્વીકાર્યું.
પ્રિયમિલન માટે પ્રયાણ
એટલે આનંદિત મને મેં કામદેવના ધનુષ્ય સમા, આકર્ષણના સાધનરૂપ, સૌંદર્યનાં સાધક શણગાર ઝટપટ સજ્યા. મારાં નેત્રો ક્યારનાંયે પ્રિયતમની શ્રીનું દર્શન ક૨વાને તલસી રહ્યાં હતાં, મારું હૃદય અત્યંત ઉત્સુક્તા અનુભવી રહ્યું હતું. એટલે હું દૂતીએ વિગતે વર્ણવેલા પ્રિયતમના આવાસે હું પહેલાં હૃદયથી તો તે જ ક્ષણે પહોંચી ગઈ, અને પછી પગથી જવા ઊપડી.
રત્નમેખલા તથા જંઘા પર નૂપુર ધારણ કરીને, રૂમઝૂમતા ચરણે, ધ્રૂજતાં ગાત્રે, એકબીજાનો હાથ પકડીને અમે બંને બાજુના દ્વારેથી બહાર નીકળી, અને વાહનો અને લોકોની ભીડવાળા રાજમાર્ગ પર ઊતરી.
અનેક બજારો, પ્રેક્ષાગૃહો અને નાટ્યશાળાઓથી ભરચક, સ્વર્ગના