________________
તરંગલોલા
દૂધ મળતું નથી, તેમ જગતમાં અન્ય કાંઈ પણ યોગ્ય ઉપાય વિના પ્રાપ્ત થતું નથી.
૬૦
જે કામો પૂરા વિચાર કર્યા વિના, ઉતાવળે, યોગ્ય ઉપાય વિના શરૂ કરાય છે તે પૂરાં થાય તો પણ કશું પરિણામ લાવતાં નથી. જ્યારે યોગ્ય ઉપાય અનુસાર શરૂ કરેલાં કામો પાર ન પડે તો પણ લોકો તે કરનારની ટીકા કરતા નથી.
તીક્ષ્ણ કામબાણનો પ્રહાર થવાથી પીડિત બનેલો તે ધીર પુરુષ સંકટમાં હોવા છતાં, પોતાના કુળ અને વંશનો અપયશ થવાના ડરે સન્માર્ગ નથી છોડવા માગતો.'
તરંગવતીની કામાર્તતા
એ પ્રમાણે ચેટીની સાથે તેની વાતો કરવામાં રચ્યાપચ્યા ચિત્તે મને ખબર ન પડી કે કમળોને જગાડનારા સૂર્યનો ક્યારે અસ્ત થયો. એટલે પછી, હે ગૃહસ્વામિની, હું જેમતેમ નહાઈ લઈ, જમીને ચેટી તથા ધાત્રી અને પરિજનો સાથે અગાશી પર ચડી ગઈ. ત્યાં ઉત્તમ શયન અને આસન પર આરામ કરતી, પ્રિયતમની વાતોથી મનને બહેલાવતી હું રાત્રીના પહેલા પહોરની પ્રતીક્ષા કરી રહી.
ત્યાં તો ચંદ્રરૂપી રવૈયો શરદઋતુના સૌંદર્યમંડિત ગગનરૂપી ગાગરમાં ઊતરીને તેમાં રાખેલા જ્યોત્સ્નારૂપી મહીનું મંથન કરવા લાગ્યો. તે જોઈને મારા ચિત્તમાં વધુ ગાઢ અને દુ:સહ વિષાદ છવાઈ ગયો અને કરવત સમો તીવ્ર કામ મને પીડવા લાગ્યો.
પદ્મદેવને મળવા જવાનો નિર્ણય
કામવિવશ અને દુઃખાતે અવસ્થાને લીધે હું શરીરે ભારે વ્યાકુળતા અનુભવી રહી અને મેં મારી સખીને કહ્યું, ‘સખી, આ વિનંતી વડે હું તારી પાસે પ્રાણભિક્ષા યાચું છું. હું ખરું કહું છું, બહેન, કુમુદબંધુ ચંદ્ર વડે અત્યંત પ્રબળ બનેલો વેરી કામદેવ નિષ્કારણ મને પીડી રહ્યો છે. તેની શત્રુતાને કારણે, હે દૂતી, તારાં મીઠાં વચનોથી પણ મારું હૃદય, પવનથી ઝપટાતા સમુદ્રજળની જેમ, સ્વસ્થ નથી થતું.