________________
તરંગલોલા
વૈભવનું અનુકરણ કરતા, કૌશાંબીના રાજમાર્ગ પર અમે આગળ વધી રહ્યાં.
અનેક ઉત્તમ અને સુંદર વસ્તુઓ દર્શનીય હોવા છતાં હું પ્રિયતમના દર્શન માટે અત્યંત આતુર હોવાથી મારું ચિત્ત તેમાં ચોટ્યું નહીં. આજે દીર્ઘ કાળે પ્રિયતમનાં દર્શન થશે એના ઉમંગમાં હે ગૃહસ્વામિની, ચેટી સાથે જઈ રહેલી મેં થાકને ન ગણ્યો. ઝડપથી દોડાદોડ જતી, તો ભીડને કારણે વેગ ધીમો કરતી, અમે મહામુશ્કેલીએ, ભરાયેલા શ્વાસે પ્રિયતમના આવાસે પહોંચી. પ્રિયતમનું દર્શન
ભવનના મુખ્ય દ્વાર પર, આસપાસ મિત્રોથી વીંટળાઈને નિરાંતે બેઠેલો પ્રિયતમ, એકાંત સ્થાને રહેલી મને, દાસીએ બતાવ્યો – સર્વના મનોહારી, જ્યોત્નાપ્રવાહ વહેવરાવતા, દીપમાલાની વચ્ચે રાત્રીએ ઉદય પામેલા શરચંદ્ર સમો.
તેને જોતાં, કાજળથી શામળ આંસુથી ભરાઈ આવેલી મારી આંખોની તૃષ્ણા શમતી જ ન હતી. ચિરકાળ જોયો હોઈ ને ચક્રવાકયોનિથી ભ્રષ્ટ થયેલા તેને, જાણે કે એ ખોટ પૂરવા માટે, હું ક્યાંય સુધી જોયા કરવા ઇચ્છતી હતી. મેં તેને ઘણે લાંબે ગાળે જોયો તેથી, અત્યારે ઘણા સમય સુધી જોઈ રહેવા છતાં, આંખો આંસુ ભરેલી હોઈને હું તેને નિરંતર જોઈ ન શકી.
પ્રિયતમને જોયો તેથી હર્ષિત થતી હું ત્યાં એક બાજુ ઊભી રહી. ગભરાયેલી અને લજ્જિત એવી અમે અંદર પ્રવેશ કરતાં ડરતી હતી.
ત્યાં તો અમારા સદ્ભાગ્યે તેણે પોતાના પ્રિય મિત્રોને, “તમે કૌમુદીવિહાર જુઓ, હું તો હવે શયન કરીશ” એમ કહીને વિદાય કર્યા. તેઓ ગયા એટલે ચેટીએ કહ્યું, “આવ, હવે આપણે એ ચક્રવાકશ્રેષ્ઠને મળવાને શ્રેષ્ઠીના ઘરની અંદર જઈએ.'
હું જઈને ભવનના આંગણાના એક ભાગમાં ધડકતા હૃદયે ઊભી રહી. દાસી જઈને તેને મળી. હું વસ્ત્રાભરણને ઠીકઠાક કરતી, મિલનાતુર, દેહધારી કામદેવ જેવા પ્રિયતમને મન ભરીને જોતી રહી.
વિનયપૂર્વક હાથ જોડીને ત્યાં આવી ઊભેલી ચેટીને જોઈને અતિશય